અમદાવાદ, તા.ર૦
રાજ્ય સરકાર દ્વારા આદેશ આપ્યા છતાં શાળાઓએ રીતે લઘુમતી શાળાઓ હોવાના બહાને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપતા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર તથા અન્યોને નોટિસ કાઢીને એક સપ્તાહ બાદ વધુ સુનાવણી મુકરર કરી છે. કેસની વિગતો મુજબ ચાલુ વર્ષે ગરીબ બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મળી રહે તે માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી હતી અને ૮૦ હજારથી વધુ બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે રાજ્યની અલગ-અલગ શાળાઓને આદેશ કર્યો હતો. પરંતુ એ વાત ધ્યાનમાં આવી હતી કે કેટલીક શાળાઓએ બાળકોને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો શાળાઓ તરફથી જણાવવામાં આવ્યું હતું કે તેઓ લઘુમતી સંસ્થાના દરજ્જો ધરાવે છે અને તેથી તેઓ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે બંધાયેલા નથી. આના કારણે હાલમાં ૭૦૦થી વધુ બાળકો ખાનગી શાળામાં પ્રવેશ મેળવી શક્યા નથી અને તેમનું ભવિષ્ય ધૂંધળું થઈ ગયું છે. આ બાબતે પિટિશનર સંદીપ મુંજસરાએ રજૂઆત કરી હતી કે રાજ્ય સરકારના રેકોર્ડ મુજબ રાજ્યમાં માત્ર તેર લઘુમતી શાળાઓ છે બીજીબાજુ તેનાથી પણ વધુ શાળાઓએ લઘુમતીનો દરજ્જો ધરાવતી હોવાનો દાવો કર્યો છે જે સ્વીકાર કરી શકાય તેમ નથી. તેમણે વધુમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા ૫૦૦ જેટલા ચકાસણીકારો નીમવામાં આવ્યા હતા અને તેમણે ચકાસણી કરીને શાળાઓને દરજ્જો આપ્યો હતો અને ત્યારબાદ શાળાઓની માહિતી સરકારમાં આપી હતી. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જુદી જુદી શાળાઓમાં પ્રવેશ આપવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. આથી શાળાઓ દ્વારા જ છેલ્લી ઘડીએ પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવામાં આવે તો બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ જાય તેમ છે અને આવી શાળાઓ સામે રાજ્ય સરકારે કડક પગલાં લઈને બાળકોને તાત્કાલીક પ્રવેશ અપાવવો જોઇએ પિટિશન દ્વારા વધુમાં રજૂઆત કરાઇ હતી કે પહેલા તબક્કામાં ઘણી બધી સ્કુલ લઘુમતી શાળા દ્વારા આ બાબતે દાવો રજૂ કરતા બીજા રાઉન્ડ પ્રવેશ અટકી ગયો હોવાથી આગામી રાઉન્ડમાં બાળકોને પ્રવેશ મળે તેવી શક્યતા નથી.

૬ વર્ષ ધરાવતા બાળકોને RTE એક્ટ હેઠળ પ્રવેશ મળી શકે તેવી જોગવાઈ

પ્રખ્યાત આનંદ નિકેતન સ્કૂલની મણીનગર શાખા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર દ્વારા એક પાંચ વર્ષના બાળકોને પ્રવેશ આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે, પરંતુ તે ગેરકાયદેસર છે. કારણકે ૬ વર્ષ ધરાવતા બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ મળી શકે તેવી જોગવાઈ છે. સરકાર દ્વારા બંધારણની જોગવાઇનો ભગ કરાયો છે અને આવો નિયમ બનાવી શકાય નહી. આ બાબતે રાજ્ય સરકારને નોટિસ કાઢ્યા બાદ વધુ સુનાવણી એક સપ્તાહ બાદ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ ઉદ્દગમ સ્કુલ દ્વારા પણ. અપ પ્રકારની અરજી કરાઈ હતી અને વધુ એક સ્કુલ દ્વારા આ નિર્ણય પડકારાયો છે.