અમદાવાદ,તા.૧૪
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે આરટીઇ (રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ)માં એડમિશનના પ્રથમ રાઉન્ડ પછી બીજા રાઉન્ડની સમયમર્યાદાનાં હજુ પણ ઠેકાણાં પડયા નથી. અમદાવાદ જિલ્લાનાં છ હજારથી વધુ બાળકો બીજા રાઉન્ડ માટે પ્રવેશથી વંચિત રહી ગયાં છે. તેમનું હજુ પણ આરટીઇ એડમિશન મેળવવા માટે ૧પ દિવસથી વધુ સમયની રાહ જોવી પડે તેમ લાગે છે. જેને લઇ એકબાજુ વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતા અને દ્વિધામાં મૂકાયા છે તો બીજીબાજુ, સરકારના ઉદાસીન વલણના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડવાની સંભાવના છે. રાજ્યભરમાં આરટીઇ અંતર્ગત ૧,૧પ,૯ર૦ વિદ્યાર્થીઓને પ્રવેશ લાયક ગણાયા હતા તે પૈકી પહેલા રાઉન્ડમાં ૮૦,૧૬૭ વિદ્યાર્થીઓને એડમિશનની ફાળવણી કરાઇ છે. આથી હજુ રાજ્યભરમાં આરટીઇની લાયકાત ધરાવતા ૪પ,૭પ૩ વિદ્યાર્થીઓ હજુ બીજા રાઉન્ડ માટે પ્રવેશથી વંચિત રહી ગયા છે. લઘુમતી શાળાઓએ હાઇકોર્ટમાં પિટિશનને પગલે મંગળવારે થયેલી સુનાવણી હવે આગામી તા.૧૮ જૂને વધુ સુનાવણી રાખવામાં આવી છે અને ત્યારબાદ જ આરટીઇ એડમિશન માટેના બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શકયતાના પગલે વિદ્યાર્થીઓનાં ભણતર વગરના દિવસો લંબાતાં રહે તેવી શકયતા છે. કેટલાક વાલીઓ બાળકનું ભણતર ન બગડે તે માટે હવે ખાનગી શાળાઓમાં બાળકને એડમિશન અપાવવા માટે મજબૂરીથી વળી રહ્યા છે. તા.૧૮ મેએ પ્રથમ પ્રવેશ યાદી જાહેર કરાઇ હતી. ત્યારબાદ તા.ર જૂને બીજી યાદી જાહેર કરવાની હતી. હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાના કારણે શાળાઓ શરૂ થઇ છતાં બીજી પ્રવેશ યાદી જાહેર ન કરાઇ હોવાથી વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આગામી સપ્તાહ સુધી બીજી યાદી જાહેર થવાની કોઇ શકયતા નહીં હોવાના કારણે બાળકોનો ર૦ થી ૩૦ દિવસનો અભ્યાસ બગડશે. અમદાવાદ (ગ્રામ્ય અને શહેર) જિલ્લામાંથી ૧૮,પ૮૪ વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ ધોરણ-૧માં પ્રવેશ ફાળવાયો હતો. અમદાવાદ શહેરની ૧૭,૮૭૪ અરજીઓ માન્ય થઇ હતી. ૪૪ અરજીઓ રિજેકટ કરાઇ હતી. અમદાવાદ શહેરના ૧૧,૮પર વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ આપવાનો હતો, જ્યારે અમદાવાદ ગ્રામ્યના ૮,૩૬પ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો, બીજા તબક્કાની એડમિશન યાદીમાં છ હજાર જેટલાં બાળકોને પ્રવેશ ફાળવવાનો બાકી છે, જેઓ યાદી જાહેર થવાની રાહમાં છે. આરટીઇમાં ચાલુ વર્ષે લઘુમતી શાળાઓનાં બાળકોને પ્રવેશના મુદ્દે કોકડું ગૂંચવાયું છે. આ શાળાઓએ આરટીઇ એકટ તેમને લાગતો ન હોવાનો મુદ્દો આગળ ધરીને બાળકોને પ્રવેશ આપ્યો નથી એટલું જ નહીં પણ હાઇકોર્ટમાં અપીલ કરી દીધી છે. જો કે, આ બધી પરિસ્થિતિ અને સરકારના ઉદાસીન વલણ વચ્ચે વાલીઓ અટવાયા છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ બગડે તેવી ગંભીર સ્થિતિ સર્જાઇ છે.