(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
ન્યાયતંત્રને આરટીઆઇ કાયદો લાગુ કરવા સામે સુપ્રીમકોર્ટની પોતાની અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ પૂછ્યું કે જો આરટીઆઇ કાયદાની કલમ ૮(૧)(જે) હેઠળ સંરક્ષિત અંગત માહિતી સરકારી ઓફિસમાં કોઇ વ્યક્તિની નિયુક્તિ સાથે સંબંધિત હોય તો શું થાય ? એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જવાબ આપ્યો કે આ બાબતનો પસંદગીની પદ્ધતિ, સત્તાના દુરૂપયોગની શક્યતાઓ અને આરોપો જે પ્રથમ દર્શીય રીતે બતાવે છે કે નિયુક્તિને કારણે કંઇક ખોટું થયું છે, તેના પર આધારિત છે. આવા કેસમાં માહિતી જાહેર કરી શકાય છે પરંતુ માહિતી કેવી રીતે માગવા કે મેળવવામાંં આવી, તેના માટેના જો કારણો આપવામાં નહીં આવ્યા હોય તો, એ બાબત વિશાળ જાહેર હિતમાં છે ત્યારે આ બાબત અંગત માહિતી પર ત્રાહિત પાર્ટીનું આક્રમણ હશે. ચીફ જસ્ટિસે એવું નિરીક્ષણ કર્યું કે બઢતી અથવા નિયુક્તિ માટે નામંજૂર કે અસ્વીકાર માટેના કારણો જાહેર કરવાથી અસ્વીકૃત કરાયેલા જજીસ/ વકીલોની કારકિર્દી અને પારિવારિક જીવન બર્બાદ થશે. આથી કંઇક સમતુલિત કરવું પડશે.

‘આરટીઆઇ હેઠળ માહિતી જાહેર કરવાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર અસર પડી શકે છે’ : ‘સીજેઆઇની ઓફિસ એક જાહેર સત્તા છે કે કેમ’ના પ્રશ્ન અંગે સીજેઆઇના નેતૃત્વવાળી બંધારણીય બેંચ સમક્ષ સુપ્રીમકોર્ટની અપીલમાં એજીએ સુપ્રીમકોર્ટ માટે દલીલ કરી

ન્યાયતંત્ર સામે આરટીઆઇ કાયદો લાગુ પડવા સામે સુપ્રીમકોર્ટની પોતાની અપીલ અંગે બુધવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી શરૂ થઇ છે. આ કેસ ૨૦૦૯માં કેન્દ્રીય માહિતી પંચ (સીઆઇસી)ના આદેશ મુજબ ન્યાયમૂર્તિઓ એપી શાહ, એકે પટનાયક અને વીકે ગુપ્તાને અવગણીને ન્યાયમૂૂર્તિઓ એચએલ દત્તુ, એપી ગાંગુલી અને આરએમ લોઢાની કરવામાં આવેલી નિયુકિતઓના સંદર્ભમાં બંધારણીય સત્તાઓ વચ્ચે નોટ ફાઇલોની આપલે સહિતના સંપૂર્ણ પત્રાચારને જાહેર કરવા સાથે સંબંધિત છે. ચીફ જસ્ટિસની ઓફિસ માહિતી અધિકાર કાયદાના દાયરામાં આવે છે કે કેમ ? એવા પ્રશ્ન અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વવાળી બંધારણીય બેંચ સમક્ષ સુપ્રીમકોર્ટની અપીલમાં એટર્ની જનરલ કેકે વેણુગોપાલે આવી રજૂઆત કરી હતી કે આરટીઆઇ હેઠળ માહિતી જાહેર કરવાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર અસર પડી શકે છે. તેમણે નિયુક્તિઓ, ટ્રાન્સફર, ઉમેદવારી રદ કરવા પાછળના કારણો જેવી કોઇ પણ સંવેદનશીલ માહિતી શેર કરવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે આ બાબતો અંગેની માહિતી આપવાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા પર અસર પડશે. કારણ કે તેનાથી વ્યક્તિની પ્રતિષ્ઠા ખરડાવાની સાથે તેના ન્યાયિક કાર્ય પર પણ અસર થશે.