(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
આરટીઆઇ બિલ પર કેન્દ્ર સરકારને મોટી રાહત મળી ગઇ છે જ્યારે એનડીએ બહારના કેટલાક પક્ષોએ બિલને સમર્થન કર્યું છે. ટીઆરએસ, બીજેડી અને પીડીપી આ બિલ પર સરકાર સાથે છે. આ ઉપરાંત વાયએસઆરસીપીએ પણ આરટીઆઇ બિલ અંગે સરકારનું સમર્થન કરવાનો નિર્ણય લીધો છે. આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની વિપક્ષના સંયુક્ત અભિયાનને આનાથી જોરદાર આંચકો લાગ્યો છે અને હવે બિલના રાજ્યસભામાં પસાર થવાની આશા વધી ગઇ છે. આ બિલ માટે વિપક્ષી દળોને મનાવવા માટે પિયુષ ગોયલ અને પ્રહલાદ જોશીએ સરકાર તરફથી મોરચો સંભાળ્યો છે. તેમણે બુધવારે રાતે તમામ નેતાઓ સાથે વાત કરી હતી. તેમણે ચંદ્રબાબુ નાયડુ, ચંદ્રશેખર રાવ, જગનમોહન રેડ્ડી અને નવીન પટનાયક સહિત અનેક વિપક્ષી નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી. સરકારને આશા છે કે, બિલના પક્ષમાં ૧૩૦થી વધુ મતો પડશે.
સરકારની દલીલ છે કે, આરટીઆઇ બિલથી બંધારણીય માળખા સાથે છેડછાડ કરવામાં આવી નથી અને રાજ્યોના અધિકારોમાં દખલ કરવામાં આવી નથી. વેતનમાં એકરૂપતા લાવવા માટે બિલમાં સંશોધન કરવામાં આવ્યું છે. તેના દ્વારા કાર્યકાળમાં પણ એકરૂપતા લાવવાના પ્રયાસ કરાશે. માહિતી કમિશનરોની નિયુક્તિના નિયમોમાં કોઇ ફેરફાર નહીં થાય. સંબંધિત રાજ્યોને નિયુક્તિનો અધિકાર છે. આ અંગે સરકારે દાવો કર્યો છે કે, રાજ્યસભામાં બિલને પસાર કરવામાં હવે કોઇ અડચણ નહીં આવે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી દળો આરટીઆઇ કાયદામાં સંશોધનનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પક્ષે કહ્યું છે કે, આરટીઆઇ સંશોધન બિલને સંસદની સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે.