(એજન્સી) મોતીહારી, તા. ૧૯
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં આરટીઆઇ કાર્યકર રાજેન્દ્રસિંહની ગોળી મારી હત્યા કરી દેવાઇ હતી તેમ મીડિયા અહેવાલોમાં જાણવા મળ્યું હતું. રાજેન્દ્રસિંહે ઘણા કૌભાંડોનો ખુલાસો કર્યો હતો જેમાં પોલીસ ભરતીમાં ગેરરીતિ અને શૌચાલય બાંધવાની યોજનાઓનો સમાવેશ થાય છે. જ્યારે મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો ત્યારે પીપરાકોઠી પોલીસ સ્ટેશન નજીક મઠબનવારી ચોક પાસે તેની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પહેલા સિંહ ત્રણ જીવલેણ હુમલામાંથી બચી ગયો હતો અને તેણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પોતાને સુરક્ષા આપવા માટે અરજી કરી હતી પરંતુ તેની અરજી હજુ પણ પ્રક્રિયા હેઠળ જ હતી. સિંહ એલઆઇસી ઓફિસના સંચાલનમાં ગેરરીતિ, શિક્ષકો અને પોલીસની ભરતીમાં ગેરરીતિને બહાર પાડવા માટે જાણીતો હતો. તેણે ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનાવાતા મકાનો અને શૌચાલયો માટે ફાળવાતા સરકારી ફંડમાં ગેરરીતિ સામે લાવી હતી. તેની તપાસના આધારે સ્થાનિક કોર્ટોમાં ઘણી ફરિયાદો નોંધાઇ હતી અને કેટલાક કેસોની સુનાવણી થવાની તૈયારી હતી. દરમિયાન સિંહની હત્યા બદલ મુખ્ય વિપક્ષી દળ આરજેડીએ મુખ્યમંત્રી નીતિશકુમાર પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો અને આ ઘટનામાં ઉચ્ચ સ્તરની તપાસની માંગ કરી હતી. પક્ષના વરિષ્ઠ નેતા આલોક મેહતાએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે ઉભેલા કોઇપણ વ્યક્તિને નીતિશ કુમારના શાસનમાં નિશાન બનાવાય છે.