અદાલતે નોંધ્યું કે પસંદગી જ જ્યારે જ્ઞાતિ પર આધારીત છે ત્યારે જ્ઞાતિ આધારીત માહિતી જાહેર કરવામાં કશું અનુચિત નથી

(એજન્સી) તા.૯
એક આરટીઆઇ અરજીના સંદર્ભમાં તામિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દાખલ કરવામાં આવેલ પિટિશનને ફગાવી દેતાં મદ્રાસ હાઇકોર્ટે યંત્રવત રીતે આરટીઆઇ અરજીને નકારી કાઢતાં પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર્સ (પીઆઇઓ)ની વર્તણૂંક પર નારાજગી વ્યક્ત કરી હતી.
અદાલતે વધુમાં જણાવ્યું હતું કે માહિતી આપવાનો ઇનકાર કરનાર આવા અધિકારીઓને પાઠ ભણાવવો જોઇએ અને મારા મતે આરટીઆઇ એક્ટ હેઠળ ફરજ અદા કરવા સાથે સંકળાયેલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર કે અન્ય હોદ્દો ધરાવવા માટે ગેરલાયક છે અને તેમને હાંકી કાઢવા જોઇએ કે જેથી અન્ય અધિકારીઓને પાઠ ભણવા મળે અન્યથા તેમને પણ આવા કે વધુ પરિણામોનો સામનો કરવો પડશે.
૨૦ નવે. ૨૦૦૯ના રોજ તામિલનાડુ ઇન્ફર્મેશન કમિશન દ્વારા જારી કરવામાં આવેલ આદેશને પડકારતી અરજી પીએનપીએસી દ્વારા દાખલ કરાઇ હતી. નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટર પી મુથૈયા દ્વારા માગવામાં આવેલ માહિતી ટીએનપીએસીને ત્રણ મહિનામાં પૂરી પાડવાની હતી. મુથૈયાએ ૨૦૦૬-૦૮ વર્ષ માટે પોતાની આરટીઆઇ અરજીમાં નીચે મુજબની માહિતી માગી હતી.
ખાલી જગ્યાની કુલ સંખ્યા, પછાત સમુદાયને ફાળવાવમાં આવેલ બેઠકોની સંખ્યા, અત્યંત પછાત સમુદાયને ફાળવાવમાં આવેલ બેઠકોની સંખ્યા, પછાત સમુદાયને ફાળવવામાં આવેલ બેઠકોમાંથી મધુરાજા અને મુથરિયાની પેટા જ્ઞાતિમાંથી પસંદ કરાયેલ ઉમેદવારોની યાદી, સૌથી પછાત સમુદાયને ફાળવવામાં આવેલ બેઠકો, પેટા જ્ઞાતિ આંબેડકરમાંથી પસંદ થયેલા ઉમેદવારોની યાદી, વાણિયા કુલા ક્ષત્રિયર પેટા જ્ઞાતિની યાદી.
સૌપહેલા તામિલનાડુ પબ્લિક સર્વિસ કમિશને પ્રથમ ત્રણ વિષય હેઠળ આંશિક માહિતી પૂરી પાડી હતી અને જણાવ્યું હતું કે બાકીની માહિતી આરટીઆઇ એક્ટ ૨૦૦૫ની કલમ-૮(૧)(ડી) હેઠળ બાકાત રાખવામાં આવેલ છે. આ કલમ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપે છે અને જણાવે છે કે કોમર્શિયલ કોન્ફિડન્સ, ટ્રેડ સિક્રેટ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સહિત કોઇ પણ નાગરિકને માહિતી આપવાની જવાબદારી રહેશે નહીં. આ માહિતી જાહેર કરવાથી ત્રાહિત પક્ષકારની સ્પર્ધાત્મક સ્થિતિને નુકસાન પહોંચાડશે સિવાય કે સક્ષમ સત્તાવાળાને આ પ્રકારની માહિતી જાહેર હિતમાં જાહેર કરવી જરુરી છે એવો સંતોષ થાય. આમ મુથૈયાને આ કલમના આધારે બાકીની માહિતી આપવામાં આવી ન હતી.