(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
સરથાણા પોલીસની હદમાં વાલક પાટિયા પાસે આવેલા ખોડિયાર પાક’ગમાં આરટીઓનો ટેક્ષની રકમ બચાવવા માટે લકઝરી બસની નંબર પ્લેટ અને ચેસીસના એન્જીન નંબરમાં છેડછાડ કરી સરકારને રૂ.૧૯.૬૬ લાખનો ચુનો ચોપડનારા ચાર જણાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
સરથાણા વાલક પાટિયા પાસે ઊભી રહેતી એક લકઝરી બસના સંચાલક અને તેના મળતિયાઓએ એકબીજાની મદદગારીથી આરટીઓની પેનલ્ટી સાથેની ટેક્ષની રકમ બચાવવા માટે જીજે-૫-એયુ- ૯૩૦૦ નંબરની પ્લેટની જગ્યા પર જીજે – ૧૪ – ડબલ્યુ – ૭૭૭ નંબરની પ્લેટ લગાવી દીધી હતી. ત્યારબાદ ખોટી નંબર પ્લેટની સાથે ખોટા એન્જીન ચેસીસ નંબર બસમાં લગાડી દીધા હતા. આમ સરકારને રૂા.૧૯.૬૬ લાખનો ચુનો ચોપડ્યા હોવાનું સરથાણા પોલીસને ધ્યાને આવ્યું હતું. સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે સુરેશ વેકરિયા, વિનોદ ભરવાડ, રાજેશ વસવાળા અને વિપુલ ગોઠળિયા સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.