(સંવાદદાતા દ્વારા) ફતેપુરા,તા.૧૦
કેન્દ્રના આદિજાતિ વિભાગના રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે સરકારે અનુસૂચિત જનજાતિ સમાજ માટે અલગથી વિભાગ કાર્યરત કર્યો છે. અને બજેટ પણ અલગથી બનાવ્યું છે. જેમાં જનજાતિ સમૂહનો વિકાસ થાય તે માટે અનેક વિધ યોજનાઓને કાર્યાન્વિત કરી છે. ખેડૂતોના ઉત્થાન અને કૃષિ સમૃદ્ધિ માટે કેન્દ્ર અને રાજયની બંને સરકારો પ્રયત્નશીલ છે. ખેડૂતોની આવક બમણી કરવાની નેમ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. દાહોદ જિલ્લાના ખેડૂતો સુખી અને સમૃદ્ધ બને તે દિશાના પ્રયત્નો થઇ રહયાં છે. જિલ્લામાં દૂધની ડેરી ઉભી થાય તેવા પ્રયત્નો પ્રગતિમાં છે. તેમ તેમણે જણાવ્યું હતું.
ગ્રામ વિકાસ, ગ્રામગૃહ નિર્માણ અને પશુપાલન રાજય મંત્રી બચુભાઇ ખાબડે ખેતી સંલગ્ન પશુપાલનનો પૂર્ણ રૂપે વ્યવસાય તરીકે અપનાવવાનું જણાવ્યું હતું. ફતેપુર તાલુકાના મકવાણાના વરૂણા ખાતે કિસાન કલ્યાણ અભિયાન અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો. જેમાં ફતેપુરાના ધારાસભ્યાશ્રી રમેશભાઇ કટારાએ પ્રાસંગિક ઉદબોધનમાં ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા અને વૈજ્ઞાનિક સંશોધનોનો લાભ લેવા જણાવ્યું હતું.
કૃષિ મેળામાં ઉપસ્થિત સૌ કોઇનું શાબ્દિક સ્વાગત જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ કર્યુ હતું.
કૃષિ મેળામાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય સહાય, કીટસ વિતરણ અને મંજુરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ યોગેશભાઇ, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, શંકરભાઇ અમલીયાર, જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલ, સંયુકત ખેતી નિયામક કુરેશી, સરપંચો અને ગ્રામ જનો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની નેમ સાથે સરકારે ખેડૂત હીતલક્ષી અનેક નિર્ણયો લીધા છે. દાહોદ જિલ્લાના ખેડૂતો પણ ઓર્ગેનિક ખેત પદ્ધતિ તરફ વળે તેવો અનુગ્રહ તેમણે આ પ્રસંગે કર્યો હતો. ખેતી ખર્ચ ઘટાડવા અને ખેતી ઉત્પાદન વધારવામાં સોઇલ હેલ્થ કાર્ડની મહત્તા જણાવી હતી.