(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧પ
ભૂજમાં સ્વામીનારાયણ મંદિર સંચાલિત સંસ્થામાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ ચકાસવાના પ્રકરણે રાજ્યભરમાં ચકચાર જગાવતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. ત્યારે આ સંસ્થાના ટ્રસ્ટ સરકાર અને ભાજપમાં પહોંચ ધરાવતા હોઈ ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા છે. સંસ્થાના આચાર્યા, રેકટર સહિતના ચાર સામે પોલીસે ગત સાંજે ફરિયાદ નોંધી છે અને ઘટનાને દબાવી દેવાના કન્યાઓના જેની સામે આરોપ છે તેવા આ ટ્રસ્ટીને ફરિયાદમાંથી આબાદ બચાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ કચ્છ યુનિ.ની તપાસ ટીમના પ્રાથમિક અહેવાલને આધારે ત્રણ જણાને ફરજ મોકૂફ કરી દેવાયા છે. અંતે મોડેમોડેથી આ મામલે મુખ્યમંત્રીએ શિક્ષણ અને ગૃહવિભાગને તપાસના આદેશો આપ્યા છે.
ભૂજના સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટમાં કન્યાઓના માસિક ધર્મ ચકાસવા કપડાં ઊતરાવવાની ગંભીર ઘટનાથી ગુજરાતને લાંછન લાગ્યુ હોવા છતા ભાજપના અગ્રણી અને સમર્થક સંચાલકોનો રાજ્ય સરકાર બચાવ કરી રહી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. શરમજનક ઘટનાને છુપાવવા માટે મીડિયાથી કન્યાઓને દૂર રાખી બંધ બારણે પ્રિન્સિપાલ પાસે માફી મંગાવીને સંચાલકો ભીનું સંકેલવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. પરંતુ બાદમાં હોસ્ટેલ વિવાદનો મામલો વાયુવેગે સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવતા ૫ સભ્યોની મહિલા આયોગની ટીમ દ્ગારા તપાસ આરંભી દેવામાં આવી હતી.
આ મામલે ભુજ સ્વામીનારાયણ મંદિર સંચાલીત સહજાનંદ હોસ્ટેલ વિવાદ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું હતું કે, પીરીયડ દરમ્યાન યુવતીના કપડા ઉતારવા મામલે તપાસ સોંપી દેવામાં આવી છે. ભુજમાં દીકરીઓ સાથે પ્રોબ્લેમ થયો છે તેવું વિજય રૂપાણીએ કહ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે, સરકારે પગલાં લીધા છે. અને આ મામલે રાજ્યનું શિક્ષણ વિભાગ પણ કડક પગલાં લેશે તેવી ખાતરી આપી હતી. પોલીસે આચાર્યા સહિત ચાર સામે મોડી સાંજે ગુનો નોંધ્યો હતો. કન્યાઓએ જેની સામે ઘટનાને દબાવી દેવાનો આરોપ મૂક્યો હતો તેવા કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણ પિંડોરિયાને પોલીસ ફરિયાદમાથી આબાદ બચાવી લેવાયા છે.
કચ્છ યુનિવર્સિટીના ઈસી મેમ્બર તેમજ સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણ પિંડોરિયા સરકાર અને ભાજપમાં પહોંચ ધરાવે છે. આથી તેઓ એવો બચાવ કરી રહ્યાં છે કેં પ્રિન્સિપાલે માફી માગી લેતાં સમાધાન થઈ ગયું છે. બનાવ અંગે ઈ.ચા.કુલપતિ દર્શનાબેન ધોળકિયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિલા સભ્યોની તપાસ સમિતિએ સંસ્થામાં તપાસ કર્યા બાદ જવાબદાર ત્રણ મહિલા કર્મચારીઓ આચાર્યા, રેકટર અને પટાવાળાને ફરજ મોકૂફ કરવાના આદેશ સાથેનો રિપોર્ટ કલેકટરને સોંપવામાં આવ્યો છે. ઘટના અંગે કલેકટરે જણાવ્યું હતું કે, તપાસ સમિતિના મૌખિક રિપોર્ટ મુજબ સંસ્થાના આચાર્ય, રેકટર અને પટાવાળાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. જો કે, આ અંગે લેખિતમાં રિપોર્ટ મોડી સાંજ સુધીમાં મારા હાથમાં આવ્યો ન હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ સ્વામીનારાયણ મંદિર સંચાલિત છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી છાત્રાઓના કપડા ઉતારીને માસિક ધર્મની તપાસણી જેવી શર્મસાર ઘટના મુદ્દે જવાબદારો સામે તટસ્થ તપાસ કરવાની માંગ સાથે કલેકટર સમક્ષ રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં આવી ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે પરંતુ છાત્રાલયની આ ઘટનાએ માનવતાને શર્મસાર કરી મૂકી છે તેમ જણાવાયું છે.