(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
કોંગ્રેસના સીનિયર નેતા અહમદ પટેલે ગૃહમંત્રી રાજનાથને બે સંદિગ્ધ આતંકવાદીઓની સામેની તપાસ કરવાનું કહ્યું છે, તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો પર રાજનીતિ ન થવી જોઈએ કે તેને રાજનીતિના કેદીઓ ન બનાવવા જોઈએ. અહમદ પટેલનો ગૃહમંત્રીને લખવામાં આ પત્ર એવે ટાણે આવ્યો છે કે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પટેલ પર એવો આક્ષેપ મૂક્યો કર્યો હતો કે અહમદ પટેલ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી હતા તે હોસ્પિટલમાં આઈએસઆઈએસના ધરપકડ કરવામા આવેલો એક કર્મચારી નોકરી કરતો હતો. જોકે એક પત્રમાં સાચી વાત બહાર આવી છે કે અહમદ પટેલે સપ્ટેબર ૨૦૧૩ માં હોસ્પિટલના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું હતું. અર્થાત પટેલને છેલ્લા ચાર વર્ષથી આ હોસ્પિટલ સાથે કંઈ લેવાદેવા નથી. પટેલે કહ્યું કે કાયદાનું પાલન કરાવતી એજન્સીઓ કે ન્યાયતંત્ર દ્વારા આતંકવાદના આક્ષેપો નક્કી થવા જોઈએ કોઈ રાજકીય પાર્ટી દ્વારા નહીં. તેમણે કહ્યું કે રાષ્ટ્રહિતની બાબતમાં આપણે ઉપર ઊઠવું જોઈએ આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ. પટેલે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોને રાજનીતિના કેદીઓ ન બનાવવા જોઈએ કે તેને ફક્ત રાજકીય હેતુ કે સ્વાર્થ સાધવા માટે રાજકીય હરીફોની પ્રતિષ્ઠા પર કિચડ ન ઉછાળવો જોઈએ. કોંગ્રેસના જણાવ્યાનુસાર અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં ૨૦૧૩ સુધી પટેલ ટ્રસ્ટી હતા તે પછી તેમણે રાજીનામું આપી દીધુ હતું. હોસ્પિટલના બીજા પણ ઘણા ટ્રસ્ટીઓ છે તેમ છતાં પણ ખાસ કરીને પટેલને નિશાન બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય કે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આઈએસના બે સંદિગ્ધોમાંથી એક અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનો પૂર્વ કર્મચારી હતો જેને લઈને ભાજપે અહેમદ પટેલે પર આક્ષેપ કર્યો હતો.