અમદાવાદ,તા.૧૯
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા ૭ર દિવસથી ચાલી રહેવા એલઆરડી ભરતી મામલે અનામત અને બિનઅનામત બન્ને વર્ગને સાચવી લેવા રાજય સરકારે જૂની પરિપત્રને રદ કર્યા વગર વચલો રસ્તો કાઢી બેઠકો વધારી દીધી હતી. સરકારના નિર્ણય બાદ બિનઅનામત વર્ગ દ્વારા આંદોલન પૂર્ણ થવાનું જાહેર કરાયું હતું. જો કે બેઠકો વધારવા છતાં અનામત વર્ગ દ્વારા જૂના પરીપત્રને રદ કરવાની વાતને વળગી રહી આંદોલન ચાલુ રખાયું હતું જેને લીધે સરકારની ચિંતામાં વધારો થયો હતો. બીજી તરફ ટાટના ઉમેદવારો અને એલઆરડીના પુરૂષ ઉમેદવારો દ્વારા પણ આંદોલનનો માર્ગ અપનાવતા સરકારની મુશ્કેલી ઓર વધી હતી. ખાસ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રાજયની મુલાકાતે છે. ત્યારે આ આંદોલનોએ સરકારને બરોબરની ભીંસમાં લીધી હતી. જો કે સરકાર દ્વારા અનેક બેઠકો યોજી આંદોલન પૂર્ણ થાય તે અંગે પ્રયત્નો પણ થતા રહ્યા હતા છતાં પણ આંદોલન ચાલુ રહેતા સરકાર માટે ચિંતાનો વિષય બન્યો હતો. આ બધાની વચ્ચે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે અનામત વર્ગની મહિલાઓએ મુલાકાત કર્યા બાદ તેમણે આંદોલન સમેટવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા જ એલઆરડી અનામત વર્ગની મહિલાઓનું આંદોલન સમેટાઈ જતા રૂપાણી સરકારને મોટી રાહત થઈ છે બીજી તરફ સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ હજુ પણ કેટલાક લોકોને આંદોલન ચાલુ રાખવામાં રસ છે. તે જોતા આગામી દિવસોમાં સરકારની મુશ્કેલીઓ વધે તો નવાઈ નહી !!