બોડેલી, છોટાઉદેપુર, તા. ર૬
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છોટાઉદેપુરના અલીખેરવા ગામે તળાવ ઊંડુ કરવાના શ્રમયજ્ઞમાં સહભાગી થતાં ગૌરવસહ જણાવ્યું કે, આ અભિયાનને ૨૫ દિવસમાં જ જે જનસહયોગ મળ્યો છે તેજ પુરવાર કરે છે કે ગુજરાતનો પ્રત્યેક નાગરિક જળસંચય અને જળસ્તર ઊંચા લાવવાના મકકમ નિર્ધાર સાથે ભાવિ પેઢી માટે પાણીના દુકાળને ભૂતકાળ બનાવવા સંકલપબધ્ધ છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે વિરોધીઓને આડે હાથે લેતાં કહ્યું હતું કે, વિરોધીઓને ખબર નથી કે તેઓ જેનો વિરોધ કરી રહ્યાં છે તેટલો ખર્ચ કરવામાં આવ્યો નથી તેમ છતાં તેમને તેઓમાં ભ્રષ્ટાચાર દેખાય છે. તેઓએ હવામાંથી, તળાવમાંથી પાતાળમાંથી કૌભાંડો કર્યા હોય તેમને ઇમાનદારીની સરકાર દેખાતી નથી. આ જ રીતે રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી એક તણખલું ઘાસ ખરીદયું નથી તો ઘાસ ખરીદીમાં કયાંથી કૌભાંડ થાય તેમ છતાં પણ કહે છે કે ઘાસની ખરીદીમાં કૌભાંડ કર્યું છે તેમ જણાવી તેમણે જેમની આંખમાં કમળો થયો હોય તેને પીળું જ દેખાય તેવી માર્મિક ટકોર પણ કરી હતી.
બોડેલી ખાતે સુજલામ સુફલામ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા અને અલીખેરવા તળાવની કામગીરી નિહાળી હતી. સભામાં પાછળના ભાગે ખુરશીઓ ખાલી દેખાઈ હતી. અલીખેરવા તળાવની મુલાકાત બાદ બોડેલી બજાર સમિતિમાં સભા સંબોધી અને છોટાઉદેપુર ખાતે બનાવેલ જિલ્લા પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. રૂપાણીઓ જણાવ્યું કે સેટેલાઈટ દ્વારા જાણ મળી છે કે ગુજરાતમાં ૧૦૦ ટકા વરસાદ થશે ત્યારે આ જળસંચય ઘણું ઉપયોગી સાબિત થશે.
પ્રારંભમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી. જી. પગીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે જીએમડીસીના મેનેજર જી.કે.પટેલ, મંત્રી બચુભાઈ ખાબડ, સંસદસભ્ય રામસિંહ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, પ્રભારી સચિવ આર. સી. મીના, જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ, જિલ્લા પોલીસ વડા એમ.એચ.ભાભોર, અધિકારીઓ, અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તળાવ પાસે ઝૂંપડી બાંધી રહેતી પાગલ સ્ત્રીને પોલીસ લઈ ગઈ !

બોડેલી, તા. ર૬
બોડેલી ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ વેળા મુખ્યમંત્રીએ અલીખેરવા તળાવની મુલાકાત લીધી હતી. આ તળાવની પાસે એક અસ્થિર મજગની મહિલા ઝૂંપડી બાંધી રહે છે. આ મહિલાને મુખ્યમંત્રીના આગમન પહેલા-પહેલા પોલીસવાળા મહિલાને જીપમાં નાંખી લઈ ગયા હતા. નેતાઓના કાર્યક્રમમાં રસ્તા બંધ કરાય છે, ટ્રાફિક અટકાવી દેવાય છે, હવે વ્યક્તિઓને ઉપાડી પણ જવાય છે !