(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
સતત નીચે પટકાતો રૂપિયો મંગળવારે પણ અમેરિકન ડોલર સામે નીચે પટકાઇને ૭૧.૫૪ની ઓલટાઇમ નીચલી સપાટીએ બંધ રહ્યો હતો. સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટ ખુલ્યું ત્યારે રૂપિયો નીચલા સ્તરેથથી ખુલ્યો હતો જેમાં તે ૭૧.૫૪ પર હતો અને દિવસ દરમિયાન ટ્રેડિંગમાં વધુ પટાકાઇને બપોર સુધી નવી નીચલી સપાટી સ્પર્શી હતી. આ પહેલા રૂપિયો ૭૧.૨૧ પર બંધ રહ્યો હતો. આના કારણે માર્કેટમાં ડોલરે મજબૂતી જાળવી રાખતા તેના ભયે રૂપિયો વધુ તૂટ્યો હતો. રૂપિયાના નબળા થવા માટે ઇંધણોના ઊંચા ભાવો અને વૈશ્વિક નકારાત્મકતાઓને જવાબદાર ગણાવાઇ હતી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ફોરેક્સ ડીલર્સ અનુસાર આયાતકારો પાસેથી અમેરિકન ડોલરની માગ વચ્ચે સ્થાનિક ચલણ ધોવાયું હતું.
૨. વૈશ્વિક વેપાર અને ચલણો તૂટવાના ભયે આયાતકારોએ સુરક્ષિત રીતે અમેરિકન ડોલરને સુરક્ષિત ચલણ તરીકે વેપાર કરતા ડોલરની મજબૂતી વચચે રૂપિયો વધુ તૂટ્યો હતો.
૩. વૈશ્વિક બજારોમાં ક્રૂડના ભાવો ઊંચકાતા આ ઘટાડો નોંધાયો છે.
૪. ક્રૂડ ઓઇલના ભાવો વૈશ્વિક સ્તરે ૭૮.૦૫ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયા છે.
૫. નવેમ્બરથી જો અમેરિકા ઇરાન પરના આર્થિક પ્રતિબંધો અમલી બનાવે તેની આશંકાએ આજે બજારો તૂટ્યા હતા અને સોમવારથી ઇંધણોના આંતરરાષ્ટ્રીય ભાવો ઊચાકાયા છે તેમ છતાં ઓપેક અને અમેરિકાના દેશોમાં ઇંધણોના ભાવો સ્થિર રહ્યા હતા.
૬. સોમવારે રૂપિયો અમેરિકન ડોલર સામે ૭.૨૧ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચ્યો હતો.
૭. સોમવારે રૂપિયામાં ૨૩ પૈસાનો ઉછાળો જોવા મળ્યો હતો જેનુ કારણ એક્સપોર્ટરો દ્વારા અમેરિકન કરન્સી વેચવી હતી પણ પછીથી ટ્રેડિંગ દરમિયાન ફરીથી રૂપિયો પટકાયો હતો.
૮. મંગળવારે સકારાત્મક અભિગમ સાથે બજારો ખુલ્યાના મિનિટોમાં જ પ્રાદેશિક બજારો નકારાત્મક વલણમાં આવી ગયા હતા. સવારે સેન્સેક્સ ૧૧૫.૪૮ પોઇન્ટના ઘટાડા સાથે ૩૦ ટકા તૂટીને ૩૮,૧૯૭ પોઇન્ટ પર પહોંચ્યો હતો, નિફ્ટીમાં પણ ૪૫.૧૫ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો જે ૦.૩૯ ટકાના ઘટાડા સાથે ૧૧,૫૩૭ પોઇન્ટે આવી ગયું હતું.
૯. મંગળવારે એશિયન શેરોમાં સવારથી જ ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણને તેના માટે કારણભૂત ગણાવાયું હતું.
૧૦. ફોરેન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સે ૨૧.૧૩ કરોડ રૂપિયાન શેરની સોમવારે વેચવાલી કરી હતી.

પેટ્રોલની કિંમતો વધવા માટે ચિદમ્બરમે સરકારને જવાબદાર ગણાવી કહ્યું, આ ‘અતિશય ટેક્સ’ને કારણે


પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે એનડીએ સરકારને જવાબદાર ગણાવી કહ્યું હતું કે, આ અતિશય ટેક્સને કારણે થયું છે. ટિ્‌વટ્‌સની સિરિઝમાં પૂર્વ નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને તાત્કાલિક અસરે જીએસટીના દાયરામાં લાવવાની માગ પણ કરી હતી. તેમણે કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો કરવો અનિવાર્ય નથી. કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવો અતિશય ટેક્સને કારણે વધે છે. જો ટેક્સમાં ઘટાડો કરવામાં આવે તો નોંધપાત્ર ભાવઘટાડો થશે. ચિદમ્બરમે કહ્યું કે, કેન્દ્ર સરકાર ભ્રામક દલીલો દ્વારા રાજ્યો પર આરોપ મુકે છે. તેમણે ટિ્‌વટમાં કહ્યું કે, ભાજપ એજ ભૂલી ગયો છે કે, કે દેશના ૧૯ રાજ્યોમાં શાસન કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નજીક આવવું જ જોઇએ અને પેટ્રોલ તથા ડીઝલની કિંમતો જીએસટી હેઠળ લાવવી જોઇએ. કોંગ્રેસની માગ છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો તાત્કાલિક અસરથી જીએસટી હેઠલ લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રૂપિયામાં તોતિંગ ઘટાડો અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઇંધણોના ભાવમાં ઉછાળાને પગલે સોમવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા.

અર્થતંત્ર આવી મુશ્કેલીમાં ક્યારેય
ન હતું : અરવિંદ કેજરીવાલ


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇંધણોના વધતા ભાવો અને રૂપિયાના સતત ઘટાડા બદલ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અર્થતંત્ર આવી મુશ્કેલીમાં ક્યારેય ન હતું. આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ ટિ્‌વટમાં કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઐતિહાસિક ઊંટી સપાટી પર છે, રૂપિયો ઐતિહાસિક રીતે નીચે ગબડ્યો છે. પોતાના છેલ્લા મહિના ગણી રહેલી ભાજપની સરકાર કાંતો જાણતી નથી અથવા સામાન્ય રીતે ચિંતામાં નથી અને આમ આદમીની સમસ્યા ઉકેલવા માગતી નથી. અર્થતંત્ર ક્યારેય આવી મુશ્કેલીમાં ન હતું. કેજરીવાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પેટ્રોલની કિંમતો રેકોર્ડ ૭૯.૧૫ અને ડીઝલની કિંમતો ૭૧.૧૫ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઇ છે જ્યારે રૂપિયાએ ૭૧.૨૧ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. પોતાના નિવેદનામાં આમ આદમી પાર્ટીના કન્વીનરે અર્થતંત્રની બગડતી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ વલણ છે કે, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી ભાજપની સરકાર ઇંધણોના વધતા ભાવો અને રૂપિયામાં સતત ઘટાડાને રોકવામાં સદંતર નિષ્ફળ નિવડી છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા એ સારા
સમાચાર છે !!! : નલીન કોહલી

આજે મંગળવારે ફરી વખત પેટ્રોલનાં ભાવમાં વધારો નોંધાયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલમાં લિટરદીઠ વધુ ૧૬ પૈસા વધારો ઝિંકયો હતો. પણ ભારતી. જનતા પાર્ટીના પ્રવક્તા નલીન કોહલીએ કહ્યુ હતુ કે, પેટ્રોલનાં ભાવ વધે એ સારા સમાચાર છે. પેટ્રોલમાં જેટલો ભાવ વધારે થશે એ રાજ્યો માટે સારા સમાચાર છે. કેમ કે, આ ભાવ વધારાથી રાજ્યને આવક થાય છે. રાજ્યો પેટ્રોલ પર વેટ દ્વારા કમાણી કરે છે. કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી દ્વારા પેટ્રોલમાંથી કમાય છે અને રાજ્યોને વેટ દ્વારા કમાણી થાય છે.

નાયડુની આગાહી “પેટ્રોલ ૧૦૦ રૂપિયે
પાર પહોંચશે, : વિપક્ષે મોદી સરકારને ઘેરી

આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંન્દ્રાબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ટીકા કરતા કહ્યું કે, જે રીતે પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે, ટુંક સમયમાં જ પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાને આંબી જશે. પ્રતિલીટર પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયા થઇ જશે. ચંન્દ્રબાબુ નાયડુએ એવું પણ કહ્યુ કે, પેટ્રોલની સાથે સાથે ડોલરની સામે રૂપિયો ૧૦૦ થઇ જશે એટલે કે એક ડોલરની સામે રૂપિયાનું મુલ્ય ૧૦૦ થઇ જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં નોટબંધી વિશે આપેલા અહેવાલને ટાંકીને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંન્દ્રબાબુ નાયડુએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નોટબંધીને મેનેજ કરવામાં નિષ્ફળ રહી છે. નોટબંધીથી આપણે શું હાંસલ કર્યુ ? આપણે બેંકોની હાલત આજે જોઇ રહ્યા છીએ. મોટી નોટોને રદ કરવી જોઇએ. ૨૦૦૦ રૂપિયાની નોટનો મતલબ શું છે? મોદી સરકાર નોટબંધીને મેનેજ કરવામાં નિષ્ફળ રહી. ડિજીટલ કરન્જી સામે મને કોઇ વાંધો નથી. પણ ચલણી નોટો અને ડિજીટલ કરન્જી લચ્ચે બેલેન્સ હોવુ જોઇએ. ચંન્દ્રબાબુ નાયડુએ કહ્યુ કે, કેસની તંગી હજુ દેશનાં ઘણા ભાગોમાં જોવા મળે છે. તાજેતરમાં જીડીપીના વિકાસના આંકડાઓ મોડી સરકારની સફળતા નથી પણ લોકોની તાકાતનું પરિણામ છે. મોદીની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી પછી દેશનો વિકાસ ઘટ્યો. દેશમાં હજુ ભ્રષ્ટાચાર કેમ છે ? મોદીને સત્ય વિશે બોલવાનો કોઇ અધિકાર નથી.