(એજન્સી) મુંબઈ, તા.૧૮
આજે ડોલરની સામે રૂપિયો વધુ ૪૬ પૈસા તૂટીને ૭ર.૯૭ની સપાટીએ બંધ રહ્યો હતો. જે આજ સુધીની સૌથી નીચી સપાટી છે. તેલના વધેલ ભાવો અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલ વેપાર યુદ્ધના પરિણામે દુનિયાભરના ઉભરતા દેશોના ચલણોમાં ઘટાડો રહ્યો છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, સરકારના રૂપિયાને ટકાવવાના બધા પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. આ બાબત
૧૦ મુખ્ય મુદ્દાઓ :
૧. આજે રૂપિયો નવી નીચી ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો. સેશન દરમિયાન ઘટીને ૭ર.૯૯ સુધી ગયા પછી ૭ર.૯૭એ બંધ રહ્યો હતો.
ર. વિદેશી મુદ્રાના એક વેપારીએ કહ્યું કે, રૂપિયામાં વધુ ઘટાડા માટે કોઈ કારણ નથી તેમ છતાંય ઘટી રહ્યો છે. તેલની વધેલ કિંમતોથી લોકોનો રૂપિયામાંથી વિશ્વાસ ઘટી રહ્યો છે. રિઝર્વ બેંકે ૪૦૦-પ૦૦ મિલિયન ડોલર વેચ્યા હતા. તેમ છતાંય એની અસર થઈ ન હતી.
૩. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે ડોલર સામે રૂપિયાનો ભાવ ૭ર-૭૩નો યોગ્ય ગણી શકાય. અમેરિકા દ્વારા ઈરાન પર મૂકાયેલ પ્રતિબંધોનો અમલ શરૂ થયેથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવી શકે છે.
૪. રોકાણકારોના મતે રિઝર્વ બેંકે ઓછામાં ઓછા બે વખતે વ્યાજના દર વધારવા જોઈએ. જેથી રૂપિયાના ઘટાડાને પહોંચી વળી શકાય. સરકારે કરેલ આગળના બધા પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે.
પ. નિષ્ણાતોએ જણાવ્યું કે અમને શંકા છે કે સરકાર દ્વારા લેવાયેલ પગલાંથી કોઈ અસર પડશે. ઉભરતા અર્થતંત્રોમાં એકંદરે પરિસ્થિતિ નકારાત્મક છે.
૬. ગયા અઠવાડિયે અરૂણ જેટલીએ કહ્યું હતું કે સરકાર બિનજરૂરી આયાતોને ઘટાડશે અને વિદેશથી લોનો મેળવવાની પ્રક્રિયાને હળવી બનાવવામાં આવશે.
૭. હાલમાં અમેરિકા-ચીનના વેપાર યુદ્ધના પગલે તેલની કિંમતો વધી રહી છે. બ્રેન્ટનો ભાવ આજે ૭૭ ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. વેપાર બાદ ઓગસ્ટ મહિનામાં ૧૭.૪ બિલિયન ડોલર રહ્યો હતો, જે પાંચ વર્ષના ઊંચા ૧૮.ર બિલિયન ડોલરથી નીચી છે.
૮. આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડે કહ્યું છે કે ભારતીય રૂપિયાનો ઘટાડો ડિસેમ્બર ર૦૧૭ની સરખામણીમાં ૬થી ૭ ટકા નીચે રહેશે.
૯. શેરબજારમાં આજે બીજા દિવસે પણ ઘટાડો થયો હતો. બીએસઈ ઈંડેક્સ ર૯૪ પોઈન્ટ ઘટી ૩૭ર૯૦ના મથાળે અને નિફ્ટી ૯૮ પોઈન્ટ ઘટી ૧૧ર૭૮ રહ્યો હતો.
૧૦. ગઈકાલે રૂપિયો ૭ર.પ૧ના સ્તરે બંધ રહ્યો હતો. આ વર્ષમાં ડોલરની સામે રૂપિયો ૧૩ ટકા ઘટ્યો છે.