ભારત બંધ દરમિયાન જ ઇંધણોમાં ધરખમ વધારો ઝીંકાયો,
ભાજપે કહ્યું, સરકારની કોઇ ભૂમિકા જ નથી…!!

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
ઇંધણોના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવો વચ્ચે ભારત બંધ દરમિયાન કોંગ્રેસને ૨૦થી વધુ પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સરકાર પર લોકોમાં ભાગલા અને નફરત ફેલાવવાનો આરોપ મુકતા કહ્યું કે, દેશનો યુવા થાકી ગયો છે. બીજી તરફ સરકારે કહ્યું છે કે, ઇંધણોના ભાવો વધવા પાછળ સરકારની કોઇ ભૂમિકા નથી અને તે અમારા હાથમાં નથી. આ દરમિયાન ભાજપના અધ્યક્ષ અમિત શાહે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક કરી હતી. ભારત બંધ દરમિયાન દેખાવકારોએ બળજબરીથી બંધ કરાવતા બિહાર અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કાર્યકરોની અટકાયતો કરવામાં આવી હતી જ્યારે કેટલાક સ્થળોએથી હિંસાના અહેવાલો પણ મળ્યા હતા.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. દિલ્હીના રામલીલા મેદાન ખાતે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વિરોધ રેલીમાં પોતાના માતા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે જોડાયા હતા. રાહુલે મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ સાચું કહેતા હતા કે જે છેલ્લા ૭૦ વર્ષમાં નથી થયું તે મોદીએ ચાર વર્ષમાં કરી દેખાડ્યું છે. એક ભારતીય સાથે બીજા ભારતીયને લડાવવાની નફરતની રાજનીતિ ફેલાવાઇ રહી છે અને દેશના ભાગલા પાડવાના પ્રયાસો થઇ રહ્યા છે.
૨. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતો અંકુશમાં લેવાનું અમારા હાથમાં નથી કારણ કે પ્રોડક્શન કરતા દેશોએ ઇંધણોનું ઉત્પાદન ઓછું કરી દીધું છે. અમે એમ નથી કહેતા કે અમે કાંઇ નહીં કરી શકીએ. ભાજપનુંં ચોક્કસપણે માનવું છે કે, કેટલીક મુશ્કેલીઓ હોવા છતાં ભારતના લોકોએ આ દેખાવોને સમર્થન કર્યું નથી.
૩. ભારત બંધને કુલ ૨૨ પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું જેમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ સામેલ નહોતી. શરદ પવાર અને સ્ટાલિન જેવા વિપક્ષના નેતાઓએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું જ્યારે કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને બિહારમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી.
૪. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઇંધણો પરના ટેક્સમાં ઘટાડો કર્યો હતો જેનાથી રાજ્યમાં ઇંધણોના ભાવો બે રૂપિયા ઓછા થયા હતા આજ રીતે ભાજપ શાસિત રાજસ્થાનમાં પણ ટેક્સમાં ઘટાડો કરાયો હતો જોકે, અહીં આ વર્ષે જ ચૂંટણી યોજાવાની છે.
૫. કેટલાક રાજ્યોમાંથી હિંસાના સમાચાર આવ્યા હતા. ગુજરાતના ભરૂચમાં દેખાવકારોએ ટાયરો સળગાવી રસ્તા જામ કર્યા હતા. બિહારના પાટનગર પટનામાં જન અધિકારી પાર્ટીના કાર્યકરોએ કેટલાક વાહનોમાં તોડફોડ કરી હતી. મહારાષ્ટ્રના પૂણેમાં દબાણપૂર્વક દુકાનો બંધ કરવાના પ્રયાસ કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના છ કાર્યકરોની ધરપકડ કરી હતી. કોંગ્રેસે આ દરમિયાન પોતાના કાર્યકરોને કહ્યું હતું કે, કોઇપણ હિંસાની પ્રવૃત્તિ ન કરે.
૬. કોંગ્રેસના ગઠબંધનમાં રહેલી જનતા દળ સેક્યુલરના શાસનવાળા કર્ણાટકમાં પાટનગર બેંગ્લુરૂમાં દુકાનો અને શાળાઓ બંધ રહેવા પામી હતી. જેડીએસે કહ્યું હતું કે, સમગ્ર દિવસના બંધને તેમનો ટેકો છે. દરમિયાન ઓરિસ્સામાં પણ શાળાઓ બંધ રહેવા પામી હતી પણ મુખ્યમંત્રી નવીન પટનાયકે આ બંધને ટેકો આપ્યો નહોતો.
૭. ભારત બંધમાં દેશભરના ઉબેર તથા ઓલા ડ્રાઇવર એસોસિએશન ઉપરાંત કર્ણાટકા રક્ષણાવાડિકે, કેસીઆરટીસી, બીએમટીસી જેવા કર્ણાટકના સંગઠનોએ પણ ભાગ લીધો હતો.
૮. બિહારના ઘણા ભાગોમાં ટ્રેન, માર્ગ અને ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. બિહારમાં લાંબા રૂટની ડઝન જેટલી ટ્રેનો રોકવામાં આવી હતી જેમાં પટના, ગયા, ભોજપુર, જેહાનાબાદ, ભાગલપુર અને મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.
૯. પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે બંધને મુદ્દાઓને સમર્થન કર્યું હતું પણ સાથે જ કહ્યું હતું કે, મુખ્યમંત્રી મમતા બેનરજીની નીતિઓ અંગે રાજ્યમાં કોઇપણ પ્રકારના બંધની વિરૂદ્ધમાં છે.
૧૦. અમેરિકા દ્વારા ઇરાન પર પ્રતિબંધોને પગલે પેટ્રોલના ભાવમાં ભારે વધારો થયો હતો જ્યારે ડોલર સામે રૂપિયો પણ નબળો થયો હતો. મહારાષ્ટ્રમાં પેટ્રોલના ભાવ ઓલટાઇમ હાઇ ૮૮ રૂપિયા પહોંચી ગયા હતા જ્યારે આ રાજ્યના પરભણીમાં પેટ્રોલની કિંમત ૯૦ની નજીક પહોંચી ગઇ હતી.

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વિવાદ વધતાં
આંતરરાષ્ટ્રીય બજારોમાં ડોલરની માગ વધી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે ઊંધા માથે પટકાઇને ઐતિહાસિક ૭૨.૬૭ની સપાટીએ બંધ રહ્યો હતો. રૂપિયામાં આજે ૯૩ પૈસાનો ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો હતો. રૂપિયામાં ઘટાડા માટે આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટાપાયે ઘટાડો અને આયાતકારો તરફથી વિશ્વના અન્ય ચલણની સામે અમેરિકન ચલણની માગને જવાબદાર ગણાવવામાં આવ્યું છે. પ્રારંભિક વેપારમાં જ રૂપિયો તૂટવાની શરૂઆત થઇ હતી અને તે ૭૨.૧૫ની સપાટીએ પહોંચ્યો હતો જે એક દિવસ પહેલા ૭૧.૧૫ની સપાટી પર હતો. રૂપિયાએ અગાઉ ૬ સપ્ટેમ્બરે ૭૨.૧૧ની સૌથી નીચલી સપાટી સ્પર્શી હતી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. ફોરેક્સ ડીલરો અનુસાર આયાતકારો તરફથી અમેરિકન ચલણની ભારે માગ જેમાં ખાસ કરીને ઇંધણોના ભાવ વધવા તથા મૂડીના થતા બાહ્ય પ્રવાહને જોતા અમેરિકન ડોલરની માગ અન્ય ચલણો સામે વધી હતી જેનાથી દેશના ચલણમાં ઓટ આવી હતી.
૨. અમેરિકા અને ચીન વચ્ચે વૈશ્વિક સ્પર્ધાને પગલે ભયને કારણે તેની સીધી અસર રૂપિયા પર જોવા મળી હતી.
૩. ટ્રેડર્સ અનુસાર ફોરેન એક્સચેન્જ માર્કેટ્‌સમાં જે રીતે આરબીઆઇએ શુક્રવારે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેવી રીતે આજે તે આવી ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહી હતી.
૪. ટોચના અર્થશાસ્ત્રી અને ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર અનિસ ચક્રવર્તીએ કહ્યું કે, આ ઘટાડો એ માટે પણ શક્ય બન્યો કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ડોલર માટેની એક્સચેન્જ કરવાની માગ વધી હતી. બીજી તરફ વૈશ્વિક બજારોમાં વિવાદને પગલે રૂપિયો નબળો થયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે આવી જ સ્થિતિ રહી તો રૂપિયો હજુ પણ નીચલી સપાટીએ જઇ શકે છે.
૫. બીજી તરફ અમેરિકન બિનખેતી ડેટા આશા કરતા વધુ મજબૂત રીતે ખુલ્યો હતો જ્યારે દેશમાં એકવાર સપ્ટેમ્બરમાં અને બીજી વાર ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની આશંકાથી ગભરાટ ફેલાયો હતો.
૬. ઇંધણોના ઊંચા ભાવોને કારણે ૨૦૧૪ બાદ રૂપિયો સૌથી નીચલા સ્તરે પટકાયો છે. ૧૦ વર્ષનું બેન્ચમાર્ક બોન્ડ ૨૮ નવેમ્બર ૨૦૧૪ બાદથી સૌથી ઊંચો ૮.૧૨ ટકા રહ્યું હતું.
૭. શુક્રવારે રૂપિયો ૨૬ પૈસા મજબૂત થઇને ૭૧.૭૬ પર રહ્યો હતો જોકે, શુક્રવારે રિઝર્વ બેન્કે ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ભારે દખલ કરી હતી.
૮. દરમિયાન સેન્સેક્સમાં પણ સોમવારે સવારે બજારો ખુલતાં જ ૩૫૯.૫૩ પોઇન્ટનો ધરખમ ઘટાડો થયો હતો અને ૩૮.૦૨૦ પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ ૧.૦૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
૯. એશિયન શેરોએ પણ નબળી શરૂઆત દેખાડતા રેડ લાઇન પર ખુલ્યા હતા જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સામે વેપાર વિવાદની જાહેરાતના આઠમા દિવસે ડોલર મજબૂતી તરફ દેખાઇ રહ્યો હતો.
૧૦. ઇરાન પર અમેરિકા દ્વારા ફરી મુકવામાં આવેલા આર્થિક પ્રતિબંધો અને અમેરિકા દ્વારા ઓઇલનું પ્રોડક્શન પોતે જ ચાલુ કરવાની જાહેરાતથી ઇંધણોના બજારો પણ ઊંચકાયા હતા.