અમદાવાદ, તા.ર૪
કોઈપણ સમાજની પ્રગતિનો એક આધાર શિક્ષણ છે ત્યારે મુસ્લિમ સમાજ પણ હવે શિક્ષણ લેવા અગ્રેસર બન્યા છે તેમાંય છોકરીઓનું વધતું પ્રમાણ સમાજની પ્રગતિની તરફની દોરનું સૂચન કરે છે ત્યારે આમદાવાદના ઢાલગરવાડ વિસ્તારની રૂશદા ફારૂક મનસુરીએ વર્ષ ર૦૧૯માં લેવાયેલ એમબીબીએસની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં રહેતા ફારૂક મહંમદ આઝમ મનસુરી (સાબુવાલા) કાપડના વેપારી છે. તેમણે પોતાની દીકરીને દીકરા જેમ ભણવાની પૂરી તક આપી છે તેમની દીકરી રૂશદાએ એમબીબીએસની પરીક્ષા ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે. તેણે ગુજરાત યુનિવર્સિટીમાં ત્રીજો રેન્ક જ્યારે તેની કોલેજ એનએચએલમાં પ્રથમ રેન્ક સાથે ઝળહળતી સફળતા મેળવી છે, તેની આ સફળતા સમાજની અભ્યાસરત અને દીકરીઓ માટે પ્રેરણારૂપ બનશે. ત્યારે રૂશદાએ આ સફળતા અંગે અલ્લાહ અને માતા-પિતાનો શુક્રિયા અદા કરતા દરેકને જીવનમાં ખૂબ જ મહેનત કરવાની સલાહ આપી છે. આગળ અભ્યાસ કરી તેણે સમાજને ઉપયોગી થવાનો ઉમદા ખ્યાલ વ્યક્ત કર્યો હતો.