(એજન્સી) તા.પ
રશિયાના હવાઇ હુમલામાં સીરિયામાં સક્રિય આતંકી સંગઠન તહરીર અલ શામનો કુખ્યાત અબુ મોહમ્મદ અલ ગોલાની ગંભીર રીતે ઘવાયો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ હુમલામાં આતંકી સંગઠનના ૧ર કમાન્ડર અને ગોલાનીની સુરક્ષામાં તૈનાત પ૦ આતંકીઓ પણ ઠાર મરાયા છે. જોકે આ દરમિયાન દાયર અલ ઝોર પ્રાંતમાં કરાયેલા હવાઇ હુમલામાં યુફ્રેટ્‌સ નદી ક્રોસ કરી પલાયન કરવા જતાં ર૦થી વધુ નાગરિકોનો પણ ભોગ લેવાઈ ગયો છે. આ માહિતી સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્‌સ સંસ્થાને આપી હતી. આ એક બ્રિટન દ્વારા સંચાલિત નિરીક્ષક માનવાધિકાર સંસ્થાન છે. તેણે જણાવ્યું કે લગભગ ર૦ જેટલા લોકોમાં મોટાભાગના બાળકો પણ સામેલ હતા. તેઓ નદી ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ રશિયાના હવાઇ હુમલાથી જીવ બચાવવાના ડરે નદી ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તમને જણાવી દઇએ કે સીરિયામાં આઇએસના આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે રશિયા અને અમેરિકા પણ સતત હવાઇ હુમલા કરી રહ્યાં છે. જોકે તેમાં મોટાભાગે નાગરિકોનો જ ભોગ લેવાઇ રહ્યો છે. તાજેતરમાં જ સીરિયન ઓબ્ઝર્વેટરી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ચોંકાવનારા હતા. સીરિયાના દાયર અલ ઝોરમાં સીરિયાની રશિયાના પીઠબળ ધરાવતી સેના એકબાજુથી હુમલો કરી રહી છે જ્યારે બીજી બાજુ અમેરિકાની સીરિયન ડેમોક્રેટિક સેના પણ આતંકીઓનો ખાત્મો બોલાવવા આતંકીઓ પર હુમલો કરી રહી છે. જોકે તમને જણાવી દઇએ કે અમેરિકાને આ મામલે દિમશ્કની સરકારે કે પછી યુએનએ કોઇપણ પ્રકારની હવાઇ હુમલા કરવાની પરવાનગી આપી નથી. બીજીબાજુ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેંકોવે જણાવ્યું કે ગુપ્તચર સૂચનાના આધારે મંગળવારે આતંકીઓના ઠેકાણાઓ પર બે લડાકુ વિમાનોની મદદથી હુમલા કરાયા હતા. ગોલાની નુસરા ફ્રન્ટનો વડો હતો. તમને જણાવી દઈએ કે નુસરા ફ્રન્ટે બાદમાં અન્ય આતંકી સંગઠનો સાથે વિલય કરીને તહરીર અલ શામ નામે નવા સંગઠનની રચના કરી હતી. ઇગોરે કહ્યું કે હવાઇ હુમલામાં વડો ગંભીર રીતે ઘવાયો છે. તેનો એક પગ કપાઇ ગયો છે. તે ગંભીર સ્થિતિમાં છે.