(એજન્સી) મોસ્કો, તા.૧ર
રશિયન સેનાના જણાવ્યા મુજબ, અમેરિકી સેનાના વિશેષ અભિયાન દળોની મદદથી તથા કથિત ‘ફ્રી સિરિયન આર્મી’ સીરિયામાં નકલી રાસાયણિક હુમલા કરવાની યોજના બનાવી રહી છે. રશિયા રક્ષા મંત્રાલયના પ્રવક્તા ઈગોર કોનાશેનકોવે સોમવારે જણાવ્યું કે, સીરિયામાં ત્રણ સ્વતંત્ર ચેનલોના માધ્યમથી આ માહિતીની પુષ્ટિ થઈ છે. હવાલાઓથી પ્રાપ્ત માહિતી અનુસાર, સીરિયાઈ સરકારે નાગરિકો વિરૂદ્ધ સૈનિકો દ્વારા અંજામ આપવામાં આવ્યું એ બતાવવા માટે ‘ફ્રી સીરિયન આર્મી’ના લડાકુઓ સીરિયાઈ પ્રાંતમાં ડેર-અલ-જૌરની વસ્તીમાં ક્લોરિન સિલિન્ડર લઈ ઘૂસી આવ્યા હતા. કોનાશેનકોવે કહ્યું કે, મંત્રાલય અનુસાર સીરિયાને અસ્થિર કરવા માટે આ પ્રકારના ઉશ્કેરણીજનક પગલાં અસહિષ્ણુ છે. ઉલ્લેખનીય છે કે બળવાખોરોના કબજા હેઠળના સીરિયાના પૂર્વીય ઘૌતામાં સાત એપ્રિલના રોજ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ૧૪ એપ્રિલે અમેરિકાએ બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને સીરિયાના સૈન્ય મથકો પર સંયુક્ત હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા. જો કે રશિયાએ જણાવ્યું કે, રાસાયણિક હુમલાના કોઈ નિશાન મળ્યા નથી અને આ બધા કાવતરાં છે.