મોસ્કો તા. ૨૫

રશિયાનું લાપત્તા બનેલું લશ્કરી વિમાન ટીયુ-૧૫૪ કાળનો કોળિયો બન્યું છે. ૯૨ યાત્રીઓને લઈને જઈ રહેલા રશિયન લશ્કરી વિમાન કાળા સમુદ્રની નજીક દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે અને તેમાં તમામે તમામ યાત્રીઓના મોત થયું હતું. રશિયન ટીવીની ખબર અનુસાર આ વિમાન સીરિયા જઈ રહયું હતું અને રશિયન શહેર સોચીથી ઉડાણ ભર્યાં પછી થોડા ક જ સમયમાં રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. સઘન તલાશી અભિયાન પછી કાળા સમુદ્રમાંથી વિમાનનો કાટમાળ તથા એક મૃતદેહ મળી આવ્યાનું પણ ખબરમાં જણાવવામાં આવ્યું હતું. વિમાનનો કાટમાળ સમુદ્ર તટથી ૧.૪ કિલોમીટર દૂર ૫૦-૭૦ મીટરની ઊંડાઈએ મળી આવ્યો હતો. રશિયાના સંરક્ષણ મંત્રાલયે એવું જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત બનેલા ટીયુ-૧૫૪ વિમાનમાં ૯૨ યાત્રીઓ સવાર હતા. તેમાં ૮૩ યાત્રીઓ અને ૮ ચાલક દળના સભ્યો હતો. સોચી એડલર એરપોર્ટ પરથી ઉડાણ ભર્યાં પછી થોડા સમયમાં મોસ્કોના સમયાનુસાર ૫.૪૦ કલાકે રડાર પરથી લાપત્તા બન્યું હતું. ઉડાણ ભર્યાની ૨૦ મિનિટમાં લાપત્તા બનતાં રશિયન સેનાએ વિમાનની શોધખોળ શરૂ કરી હતી. આ વિમાનમાં નવ પત્રકારો સહિત રશિયન લશ્કરની સત્તાવાર મ્યુઝિક ટીમના સભ્યો હતા. તેઓ સીરિયાના લટાકીયા ખાતેના રશિયાના એરબેઝ પર નવા વર્ષની ઉજવણીમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા. જેવું આ વિમાન કાળા સમુદ્રની ઉપર પહોંચ્યું કે તરત જ તેમાં તૂટી પડ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર ટેકનીકલ ખામી કે કોઈ માનવીય ભૂલને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. સોચીમાં ઉડાણ માટે હવામાન પણ અનુકૂળ હતું અને એક પણ નાગરિક વિમાન રદ કરવામાં આવ્યું નહોતું.