(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરખેજ-ગાંધીનગર હાઈવે પરના તમામ ચાર રસ્તા પર ફ્લાયઓવર બ્રિજ બાંધવા અને સૌરાષ્ટ્રના સુધી સિક્સલેન હાઈવે બનાવવાની આજે જાહેરાત કરી હતી. આ સાથે તેમણે ફરી એકવાર કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં રાજીવગાંધી પોતે કહેતા કે કેન્દ્રમાંથી ફાળવાતો ૧ રૂપિયો ગરીબ સુધી પહોંચતા ૧પ પૈસા થઈ જાય છે ત્યારે હવે કેન્દ્રમાંથી મોકલાતા એક રૂપિયા સામે અહીં ૧.રપના વિકાસ કામો થાય છે. અમદાવાદમાં આજે બોપલ એસપી રિંગરોડ પરના સૌથી મોટા ફલાયઓવર બ્રિજ અને બોપલ પોલીસ સ્ટેશનના ઉદ્‌ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સરખેજથી ગાંધીનગરના અતિ વ્યસ્ત હાઇવે પર ટ્રાફિકના નિવારણ માટે સિક્સલેન રોડ અને તમામ ચાર રસ્તા પર ફલાયઓવર બ્રિજ માટે રૂા.૭૦૦ કરોડ મંજૂર કરાયા છે. જ્યારે અમદાવાદથી રાજકોટના હાઇવેના માર્ગો આશરે રૂા.૨૫૦૦ કરોડના ખર્ચે સિક્સલેન બનાવવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જે આધુનિક વિકાસ થઇ રહ્યો છે, અમદાવાદને વધુ સુવિધાસભર બનાવવા માટે રાજ્ય સરકાર ઔડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રોત્સાહિત કરશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના પ્રજાલક્ષી કામો જેવા કે, પાણી, રસ્તા, ગટર, આરોગ્ય સહિતના કામો માટે રૂ.૫૦૦ કરોડથી વધુની ગ્રાંટ ફાળવવામાં આવી છે. આજના કાર્યક્રમ દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી શંકર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન છેલ્લા આઠેક મહિનાથી ઉદ્‌ઘાટનની રાહ જોઇ રહેલા બોપલ પોલીસમથકનું પણ આજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. અદ્યતન એવા બોપલ પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓ માટે પાણીની સુવિધા, બેસવા માટે અલાયદો રૂમ, પોલીસકર્મીઓ માટે પણ રેસ્ટરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. બોપલ એસપી રિંગ રોડ પરના સૌથી મોટા ફલાયઓવરને લક્ષ્મણરાવ ઇનામદાર-વકીલ ફલાયઓવર બ્રિજ નામ આપવામાં આવ્યું છે. રીંગ રોડ પરના સૌથી મોટા એવા દોઢેક કિલોમીટર લાંબા બોપલ ફ્લાયઓવર બ્રિજ માટે રૂા.૮પ કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ ફલોયઓવર બ્રિજ બનતાં હવે બોપલ જંકશન પરના ટ્રાફિકનું ભારણ ઘટશે.
નીતિન પટેલે સંબોધનમાં રૂપાણીનું નામ ન લેતાં નારાજગીની અટકળો !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬
બોપલ ફલાયઓવરના ઉદ્દઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં તમામ અગ્રણીઓના નામોલ્લેખ કરતી વખતે મુખ્યમંત્રીનું જ નામ ન લેતાં આશ્ચર્ય તો ફેલાયું જ હતું પરંતુ તે સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે અણબનાવ હોવાની વાતને પણ વેગ મળ્યો હતો. આ મુદ્દે ચર્ચાઓ ફરી શરૂ થઈ જવા પામી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પોતાના સંબોધનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલથી લઈને દરેક ઉપસ્થિત અગ્રણીઓના નામ લીધા હતા પરંતુ મુખ્યમંત્રીનું નામ ન લેતાં ભૂલથી તેમ થયું કે પછી અણબનાવને લઈને એવી અટકળોને વેગ મળ્યો છે. જો કે ત્યારબાદ વિજય રૂપાણીની પોતાના સંબંધોનમાં સૌથી પહેલાં નીતિન પટેલનું નામ ચોક્કસ જ લીધું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્રિજને સંઘના અગ્રણી લક્ષ્મણ રાવ ઈનામદાર બ્રિજ નામ આપવામાં આવ્યું છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શક પૈકીના એક હતા. એવું મનાય છે કે તેમણે નરેન્દ્ર મોદીને સંઘ સાથે જોડાવવા પ્રેરિત કર્યા હતા. ત્યારે વડાપ્રધાનના આ ગુરૂને ગુરૂદક્ષિણારૂપે આજે બોપલ ફલાયઓવર બ્રિજને તેમનું નામ આપવામાં આવ્યું હોવાની વાત ચર્ચામાં છે.