(એજન્સી) મ્યૂનિખ,તા.૧૫
જર્મનીમાં યોજાયેલા મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાને વળતો જવાબ આપ્યો છે. અમેરિકન સેનેટર લિન્ડસે ગ્રાહે કાશ્મીરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેના માટે જયશંકરે કહ્યું કે,‘ચિંતા ન કરશો. એક લોકતંત્ર(ભારત)આનો નિવેડો લાવી દેશે અને તમે જાણો છો કે એ દેશ કયો છે? આ પહેલા ગ્રાહમે કહ્યું હતું કે, ‘કાશ્મીરથી પાછા આવ્યા બાદ હું એ સમજી શક્યો નથી કે લોકડાઉન ખતમ ક્યારે થશે. બન્ને દેશો(ભારત-પાકિસ્તાન)ને આ મુદ્દાનો ઝડપથી નિવેડો લાવવો પડશે.’
જયશંકરે કહ્યું, ‘સંયુક્ત રાષ્ટ્ર પોતાના ઈતિહાસની તુલનામાં હવે ઓછું વિશ્વાસપાત્ર રહી ગયું છે. જ્યારે તમે આના વિશે વિચારો છો તો આની ઘટતી જતી વિશ્વસનીયતા તમને ચોંકાવતી નથી. સંસ્થામાં હવે એ વસ્તુઓ નથી થઈ રહી જે ૭૫ વર્ષ પહેલા થતી હતી. સ્પષ્ટ છે કે આમાં પરિવર્તન લાવવા માટે ઘણું કરવાની જરૂર છે’તેમણે એવું પણ કહ્યું કે, ‘એવા ઘણા દેશ છે, જ્યાં રાષ્ટ્રવાદ અંગે વધારે મૂર્ખતા છે. ઘણા કેસમાં રાષ્ટ્રવાદ વધારે અસુરક્ષિત છે. તથ્ય એ છે કે જે રાષ્ટ્ર વધારે રાષ્ટ્રવાદી દેખાતો હોય તે ઓછો બહુપક્ષીય હોય છે’ રાષ્ટ્રવાદ અંગેના સવાલ પર તેમણે કહ્યું કે, ‘આ અંગે કોઈ સવાલ નથી ઉઠતો કે દુનિયામાં રાષ્ટ્રવાદની બોલબાલા છે. અમેરિકા, ચીન સહિત દુનિયાના ઘણા દેશોનું આની પર જોર છે. દેખીતું છે કે મોટા પાયે રાષ્ટ્રવાદની સ્વીકૃતિ મળી છે’.