(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્દેશ કર્યો હતો કે, કર્ણાટક વિધાનસભામાં યેદિયુરપ્પાએ ૧૫ દિવસ નહીં પરંતુ શનિવારે જ સાંજે ૪ઃ૦૦ કલાકે બહુમતી પુરવાર કરવી પડશે. બીજી તરફ ભાજપના વકીલો સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરતા પરંતુ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, શનિવારે સાંજે ચાર કલાકે યેદિયુરપ્પાએ બહુમતી સાબિત કરવી પડશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, આ બંધારણની જીત, લોકશાહી જળવાઇ રહી છે. તેમણે ટિ્‌વટ કરી કહ્યું કે, બીએસ યેદિયુરપ્પા એક દિવસના મુખ્યમંત્રી જળવાઇ રહેશે. બંધારણે ખોટી રીતે મુખ્યમંત્રી પદને ફગાવી દીધો છે અને કર્ણાટકના રાજ્યપાલ દ્વારા લેવાયેલા ગેરબંધારણીય નિર્ણયને પણ ફગાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટમાં બીએસ યેદિયુરપ્પા માટે હાજર રહેલા પૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, વિધાનસભામાં બહુમતી પુરવાર કરવા માટે બીએસ યેદિયુરપ્પા કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો પાસે સમર્થન માગશે. અમને કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોનું સમર્થન છે. એનાથી વધારે હું કાંઇ જણાવી શકું તેમ નથી. જોકે, સુપ્રીમ કોર્ટે મુુકુલ રોહતગીને જોરદાર સવાલ કર્યો હતો કે, રાજ્યપાલે કઇ રીતે કોઇ એક પક્ષની તરફેણમાં નિર્ણય લઇ લીધો છે જ્યારે બીજો પક્ષ પોતાની બહુમતી પુરવાર કરી શકે છે ત્યારે મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, આ રાજ્યપાલનો વિવેકાધિકાર છે કે કોને સરકાર બનાવવા માટે બાલાવવા અને કોને નહીં. જોકે, ભાજપને બહુમતીનો આંકડો મેળવી લેવા માટે એક અઠવાડિયાનો સમય આપવો જ જોઇએ. આ અંગેના નિવેદન અંગે કોંગ્રેસના કેટલાક નેતાઓએ કહ્યું હતું કે મુકુલ રોહતગી દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ સોદાબાજી કરવાની વાત કબૂલવામાં આવી છે. આ કબૂલાતની સુપ્રીમ કોર્ટે નોંધ લેવી જોઇએ. રોહતગીએ એમ પણ જણાવ્યું કે યેદિયુરપ્પાએ રાજ્યપાલને પોતાના સમર્થનવાળા તમામ ધારાસભ્યોની યાદી આપવાની જરૂર નથી. તેઓ તો કોઇપણ સમયે પોતાની બહુમતી પુરવાર કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે સવારે કર્ણાટકમાં ભાજપને સરકાર રચવાના રાજ્યપાલ વજુભાઇ વાળાના આમંત્રણ સામે કોેગ્રેસ અને જેડીએસની અરજી પર સુનાવણી શરૂ કરી હતી. રાજ્યપાલે યેદિયુરપ્પાને આમંત્રણ આપ્યા બાદ તેમણે મુખ્યમંત્રી પદના શપથ પણ લઇ લીધા હતા. જસ્ટિસ એકે સિકરી, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ ગોબડેએ કોંગ્રેસ અને જેડીએસના અરજી પર ગુરૂવારની આખી રાત સુનાવણી હાથ ધરી હતી. જોકે, કોર્ટે રાજ્યપાલને યેદિયુરપ્પા દ્વારા લખાયેલા બે પત્રો રજૂ કરવા ભાજપના એટોર્ની જનરલને જણાવ્યું હતું તે બાદ તેમણે કહ્યું હતું કે તેમની પાસે હાલ આ પત્રો નથી. તેથી કોર્ટે શુક્રવારે તેની મુદ્દત લંબાવી હતી.
દરમિયાન ગુલામનબી આઝાદે જણાવ્યું હતું કે, તમામ ધારાસભ્યોના શપથ બાદ વિશ્વાસમતની પ્રક્રિયા શરૂ થવી જોઇએ. અમે આશા રાખીએ છીએ કે પ્રોટેમ સ્પીકર સૌથી વરિષ્ઠ હોવો જોઇએ. આ બાબત દેશમાં સામાન્ય છે. શપથગ્રહણ કાર્યક્રમ બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવે. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયને વધાવતા કહ્યું હતું કે, ફરીવાર દેશની સર્વોચ્ચ અદાલત સમયે ઉભરી છે. અમે વિચારતા હતા કે, કોર્ટ રાજ્યપાલના નિર્ણયને ફગાવી દેશે પણ અમે કોર્ટનો આભાર માનવા માગીએ છીએ કે તેણે ભારતના લોકતંત્ર અને બંધારણને બચાવવા માટે પહેલ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યપાલે લોકતંત્રના નિયમોનો ભંગ કર્યો છે. કોંગ્રેસે ૭૮ અને જેડીએસે ૩૮ બેઠકો જીતી છે અને બે અપક્ષો પણ અમારી સાથે છે જેની કુલ સંખ્યા ૧૧૭ થાય છે. અમે તરત જ એકબીજાને મળીને રાજ્યપાલ વાળાને ભાજપની પહેલા દાવો કરવા પહોંચી ગયા હતા. બીજી તરફ ગોવા, મણિપુર અને મેઘાલયમાં રાજ્યપાલોએ નિયમોનો ભંગ કર્યો હતો અને સૌથી મોટા પક્ષને બોલાવ્યા કરતા જે પક્ષો મળીને સૌથી વધુ સંખ્યા દેખાડે તેમને સરકાર રચવા બોલાવ્યા હતા. અમે વિચારી રહ્યા હતા કે આ બાબત કર્ણાટકમાં પણ લાગુ કરી શકાશે. જોકે, દેશના તમામ લોકોને અચંબામાં નાખતા રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપને આમંત્રણ આપ્યું હતું જોકે, તેમની પાસે પુરતું સંખ્યાબળ નહોતું. ભારતના ઇતિહાસમાં કોઇપણ રાજ્યપાલે મુખ્યમંત્રીને બહુમત પુરવાર કરવા બે અઠવાડિયાનો સમય આપ્યો નથી. વધુમાં વધુ સમયગાળો એક અઠવાડિયાનો હોય.

કેજી બોપૈયાહની પ્રોટેમ સ્પીકર તરીકેની નિમણૂક વિરૂદ્ધ કોંગ્રેસ સુપ્રીમમાં જશે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
વિધાનસભામાં સૌથી વરિષ્ઠ ધારાસભ્યને પસંદ નહીં કરવા બદલ ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંધવીએ ભાજપની નિયમો વિરૂદ્ધના નિર્ણયોની ટીકા કરી હતી. કોમ્બારાના ગણપતિ બોપૈયાહની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પહેલા કરી હતી. કોંગ્રેસે રાજ્યપાલના આ નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવાન નિર્ણય લીધો છે. સિંઘવીએ કહ્યું હતું કે આદર્શ રીત એ છે કે, સૌથી વરિષ્ઠ નેતાને પ્રોટેમ સ્પીકરનો પદ આપવામાં આવે છે. કર્ણાટક વિધાનસભામાં આવતીકાલે થનાર બહુમત પરીક્ષણ માટે ગવર્નરે પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના એમએલએ કેજી બોપૈયાહની નિમણૂક કરી છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય આરવી દેશપાંડે અને ભાજપના ઉમેશ પટ્ટીના નામને લઇને ચર્ચા રહી હતી. ગૃહના સૌથી સિનિયર ધારાસભ્યને આ હોદ્દા ઉપર રાખવામાં આવે છે. બોપૈયાહ ત્રણ વખત ભાજપની ટિકિટ ઉપર ધારાસભ્ય તરીકે રહ્યા છે. શક્તિપરીક્ષણનું કામ ત્યારબાદ પ્રોટેમ સ્પીકરના નેતૃત્વ અને તેમની દેખરેખ હેઠળ થશે. કોંગ્રેસ પાર્ટીએ બોપૈયાહને પ્રોટેમ સ્પીકર બનાવવાનો વિરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ગ્રાહ્ય રાખી રાજ્યપાલે બહુમત પસાર કરવા માટે ભાજપને ૧૫ દિવસના સમયગાળાને રદ કરી શનિવારે જ સાંજે બહુમત પસાર કરવા જણાવ્યું હતું.

‘મારા મતે હું સૌથી વરિષ્ઠ’ : પ્રોટેમ સ્પીકર કોણ બને તે અંગે આરવી દેશપાંડેનો મત
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
કર્ણાટકમાં શનિવારે ભાજપે બહુમત પસાર કરવાનો છે તે પહેલા વધુ એક વિવાદ છેડાયો છે. રાજ્યપાલ વજુભાઇ વાળાએ વધુ એક ખામીભર્યો નિર્ણય કરીને સૌથી વરિષ્ઠ નેતાને બદલે ભાજપના બોપૈયાહને પ્રોટેમ સ્પીકર બનાવતા વિવાદ છેડાયો છે. પ્રોટેમ સ્પીકર મર્યાદિત સમય માટે હોય છે જ્યાં સુધી મંત્રીમંડળની રચના ના થઇ જાય ત્યાં સુધી તે સ્પીકરનું પદ સંભાળી શકે છે. નિયમ પ્રમાણે સૌથી વરિષ્ઠ ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવાય છે. ગૃહમાં આરવી દેશપાંડે સૌથી વરિષ્ઠ ધારાસભ્ય છે અને તેઓ ૧૯૮૩થી સૌથી વધુ આઠ વખત વિધાનસભા ચૂંટણી જીતી ચુક્યા છે. જ્યારે ભાજપના ઉમેશ વિશ્વનાથ કટ્ટી પણ સાત વખત વિધાનસભા ચૂંટણી જીત્યા છે જે બીજા વરિષ્ઠ નેતા છે. જોકે, આશ્ચર્ય વચ્ચે બોપૈયાહની નિમણૂંક કરાતા કોંગ્રેસ તથા જેડીએસના ભવાં ઊંચકાયા છે. આરવી દેશપાંડેએ કહ્યું કે, હું માનું છું કે, હું સૌથી વરિષ્ઠ નેતા છું અને મને જ પ્રોટેમ સ્પીકર બનાવવો જોઇએ. ગુપ્ત મતદાનનો કોઇ પ્રશ્ન જ ઉદ્‌ભવતો નથી. બહુમતી કાંતો ધ્વનિમતથી અથવા મતવિભાજનથી થાય.

કર્ણાટક સુનાવણી દરમિયાન જજોએ વોટ્‌સએપ જોક શેર કરતાં ભરચક કોર્ટરૂમમાં હાસ્ય રેલાયું
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ બહુમતીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે સુનાવણી માટે ત્રણ જજોની બેંચની રચના કરવામાં આવી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રોચક ઘટના બની. જસ્ટિસ એકે સિકરીએ વોટ્‌સએપ પર આવેલા જોકની વાત કરી. તેમણે જોકમાં કહ્યું કે રિસોર્ટના માલિકે રાજ્યપાલને ફોન કરીને જણાવ્યું કે, તેમની પાસે ૧૧૬ ધારાસભ્યો છે. શું તેઓ સરકાર બનાવવા માટે તેને આમંત્રિત કરશે ? ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે બીએસ યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે ૨૮ કલાકનો સમય આપ્યો છે. કોર્ટે ૨૮મી મેએ બપોરે ૧૨ કલાકે નિર્ણય સંભળાવ્યો હતો અને શનિવારે સાંજે ચાર વાગ્યા સુધી વિધાનસભામાં બહુમતી સિદ્ધ કરવા કહ્યું છે.

૨૦૧૦માં યેદિયુરપ્પાની તરફેણ કરવા બદલ કે. જી. બોપૈયાહ સુપ્રીમના ગુસ્સાનો ભોગ બની ચૂક્યા છે
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
શનિવારે વિધાનસભામાં બહુમતી પહેલા રાજ્યપાલ વજુભાઇ વાળાએ કેજી બોપૈયાહની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂંક કરી છે. વજુભાઇ વાળાએ કહ્યું કે, ૬૨ વર્ષના બોપૈયાહ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર હશે જેઓ પાસે ધારાસભ્યોને લાયક અથવા ગેરલાયક ઠરાવવાનો અધિકાર રહેલો હશે. તેઓ વિરાજપેટથી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે. નવા ચૂંટાયેલા વરિષ્ઠ સભ્યોમાં કોંગ્રેસના આર.વી. દેશપાંડે અને મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા છે. જોકે, યુરપ્પા મુખ્યમંત્રી તરીકે છે ત્યારે દેશપાંડેને પ્રોટેમ સ્પીકર બનવાની તક મળવી જોઇએ. બોપૈયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બાદ આરએસએસ સાથે જોડાયા હતા. કોગાડુ એકમના ભાજપના પ્રમુખ બન્યા બાદ તેઓ ૨૦૦૪મા મડીકેરીના ધારાસભ્ય બન્યા હતા. કોગાડુની બેમાંથી એક બેઠક કરાયા બાદ તેઓ ૨૦૦૮માં વિરાજપેટથી જીત્યા હતા. એક વર્ષ બાદ તે વખતના સ્પીકર શેટ્ટારે તેમને મંત્રી બનાવવા માગ કરી ત્યારે યેદિયુરપ્પાએ તેમને મંત્રી બનાવ્યા અને ત્યારે બોપૈયાહને સ્પીકર બનાવ્યા. ૨૦૧૦માં અવિશ્વાસ મત દરમિયાન બોપૈયાહે ભાજપના ૧૧ અને પાંચ અપક્ષના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. જોકે, તેમના આદેશને સુપ્રીમ કોર્ટે ફેરવ્યો હતો અને તેમને ફટકાર લગાવી હતી.

યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટ માટે ૧૧ વાગ્યાનો ‘શુભ’ સમય નક્કી કર્યો, પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ અંગે નવો વિવાદ સર્જાયો
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
કર્ણાટક વિધાનસભામાં સાંજ ચાર વાગ્યા સુધીમાં બહુમતી પુરવાર કરવાનો સુપ્રીમકોર્ટ દ્વારા રાજ્યના નવા મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને સમય આપવામાં આવ્યો છે. યેદિયુરપ્પાએ તેમના જ્યોતિષોની સલાહ મુજબ ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો શુભ સમય સવારે ૧૧ વાગ્યાનો નક્કી કર્યો છે. વિધાનસભાની બેઠક શનિવારે સવારે ૧૧ વાગે બોલાવવામાં આવી છે. રાજ્યના રાજ્યપાલ વજુભાઇવાળાએ શુક્રવારે એક જાહેરનામું પણ જારી કર્યું છે. વજુભાઇવાળાએ ભાજપના નેતા અને પૂર્વ સ્પીકર કેજી બોપૈયાને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરતાં કોંગ્રેસ અને જેડીએસે તેમની સામે વાંધો ઊઠાવતા નવો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ અને જેડીએસે જણાવ્યું કે ગૃહમાં સૌથી સીનિયર નેતા પ્રોટેમ સ્પીકર હોવા જોઇએ. દિલ્હીમાં યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુસિંઘવીએ જણાવ્યું કે કર્ણાટક વિધાનસભામાં સૌથી સીનિયર નથી એવા ધારાસભ્યને ભાજપે પ્રોટેમ સ્પીકર બનાવીને સારૂં કર્યું નથી. યેદિયુરપ્પામાં ગૃહમાં બહુમતી પુરવાર નહીં કરે ત્યાં સુધી તેઓ નીતિ વિષયક મહત્વના નિર્ણયો લઇ શકશે નહીં.
દરમિયાન, સોદાબાજીના ભય વચ્ચે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને હૈદરાબાદ શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓ આજે મોડી રાત્રે કે શનિવારે વહેલી સવારે બેંગલુરૂ આવી પહોંચે તેવી સંભાવના છે.

૮૫માં જન્મ દિવસે દેવગોવડાને સુપ્રીમકોર્ટ તરફથી ભેટ મળી
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગોવડા શુક્રવારે (૧૮મી મેએ) ૮૫ વર્ષના થયા છે ત્યારે તેમને સુપ્રીમકોર્ટ તરફથી જન્મદિવસના પ્રસંગે એક ભેટ મળી છે. કર્ણાટકના નવા મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવા માટે રાજ્યપાલ વજુભાઇ વાળા તરફથી ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ સુપ્રીમકોર્ટે યેદિયુરપ્પાને ૧૫ દિવસને બદલે આવતીકાલે શનિવારે સાંજે ચાર વાગે ગૃહમાં બહુમતી પુરવાર કરવાનો આદેશ આપ્યો છે. કર્ણાટકની વર્તમાન પરિસ્થિતિમાં એક દિવસમાં ૧૧૨ના જાદુઇ આંક સુધી પહોંચવામાં ભાજપ અને યેદિયુરપ્પાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને શક્ય છે કે તેઓ બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ નીવડે તો, દેવગોવડાના પુત્ર કુમાર સ્વામીના રાજ્યના મુખ્ય પ્રધાન બનવાનો માર્ગ મોકળો થઇ જશે. સુપ્રીમકોર્ટના આદેશને પગલે હવે કર્ણાટકમાં સત્તા હાંસલ કરવાની ખેંચતાણનો અંત આવી ગયો છે. સુપ્રીમકોર્ટના આદેશ મુજબ ફ્લોર ટેસ્ટની કાર્યવાહી પ્રોટેમ સ્પીકર કેજી બોપૈયા હાથ ધરશે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ બોપૈયાને પ્રોટેમ સ્પીકર બનાવ્યા છે.