અમદાવાદ, તા.૧૪
પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં જોડાયેલા રેશમા પટેલને હવે ભાજપમાં શ્વાસ રૂંધાઈ રહ્યો હોવાનું લાગતા ભાજપ સામે વારંવાર નિવેદનો આપે છે. ત્યારે વધુ એકવાર તેમણે ઉત્તરાયણના સંદર્ભમાં ભાજપને આડેહાથ લેતા કહ્યું છે કે પવન તો કમળની ખેતીને વાઢીને સાફ કરી દે તેવો છે. પ્રાપ્ત વિગતો મુજબ ભાજપના રેશમા પટેલે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. જેમાં ઉત્તરાયણના પર્વનો ઉદ્દેશ કરીને રેશમા પટેલે જણાવ્યું હતું કે, આજે લોકો મને પૂછી રહ્યા છે કે રેશમાબેન પવન કેવો છે ? ત્યારે હસીને કહ્યા વગર રહી ના શકી કે પવન તો કમળની ખેતીને વાઢીને સાફ કરી નાંખે એવો છે. પણ જોવાનું એ રહેશે કે પંજો કેટલું વાઢીને સાફ કરશે. આમ રેશમા પટેલે ઉત્તરાયણના દિવસે ભાજપ અને કોંગ્રેસના રાજકીય પેચ લડાવતું નિવેદન આપ્યું હતું. જેમાં ભાજપનો પતંગ કોંગ્રેસ કાપશે તેવી આશા રેશમા પટેલે વ્યક્ત કરી છે.
અત્રે નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પાટીદાર અનામત આંદોલનથી છેડો ફાડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યાના એક વર્ષની અંદર જ જાણે રેશમા પટેલને ખબર પડી ગઈ કે ભાજપમાં હોવા છતાં તેમના કામો થતાં નથી. એટલે સમાજના કામો થતાં ન હોવાની વાત મૂકીને રેશમા પટેલ ભાજપની વિરૂદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે પરંતુ ભાજપ દ્વારા હજુ સુધી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા નથી. કેમ કે ભાજપને પણ ડર સતાવી્‌ રહ્યો છે કે જો રેશમા પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરીશું તો પાટીદાર સમાજમાં ખોટો મેસેજ જશે. એટલે ભાજપના મોવડીઓ યોગ્ય સમયની રાહ જોઈને રેશમાની પક્ષમાંથી હકાલપટ્ટી કરશે. જો કે એવું પણ બની શકે કે ભાજપ કાઢે તે પહેલા રેશમા પટેલ જ ભાજપથી છેડો ફાડી અન્ય કોઈ પક્ષમાં જોડાઈ જાય. રાજકારણમાં ક્યારે શું થાય તે કહી ના શકાય. ત્યારે હવે જોવું રહ્યું કે, રેશમા પટેલની રાજકીય કારકિર્દી કેવી રહેશે ?