(એજન્સી) શ્રીનગર, તા.ર૬
કાશ્મીર કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોજે બંધારણની કલમ-૩૭૦ દૂર થતાની સાથે જ ભારત સાથેના કાશ્મીર સંબંધો પર પૂર્ણવિરામ મૂકાઈ જશે તેવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કાશ્મીરમાં મોટી સંખ્યામાં ખડકી દેવાયેલ સૈન્ય કાફ્લા સામે પણ સવાલ ઉઠાવ્યો છે ? અહેવાલ મુજબ કોંગ્રેસના કાશ્મીર નેતા સૈફુદ્દીન સોજેના જણાવ્યા અનુસાર કાશ્મીરમાંથી બંધારણની કલમ-૩૭૦ દૂર થશે તો ભારત સાથેના કાશ્મીરના સંબંધો સમાપ્ત થઈ જશે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં આટલા મોટા પ્રમાણમાં સૈન્ય ખડકવા પાછળ શું કારણ છે ? જ્યારે કે કાશ્મીરમાં મોટી સંખ્યામાં સૈન્ય તૈનાતીની કોઈ જ આવશ્યકતા નથી. તેનાથી કાશ્મીરના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર કલમ ૩પ-છ, ૩૭૦ સમાપ્ત કરાવવાનો આરોપ મૂક્યો છે અને આરએસએસ પર હુમલો કરતા કહ્યું છે કે, આરએસએસ વિરોધી વિચારધારા ધરાવે છે. આરએસએસે અગાઉથી જ દેશને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને સર્વોચ્ચ અદાલતમાં કલમ-૩૭૦ સંદર્ભે કોણે યાચિકા દાખલ કરી ? તેવો પ્રશ્ન કર્યો છે. એમણે ચીમકી આપી કે વર્ષ ર૦૧૯માં એનાથી કોઈ લાભ થશે નહીં અને શાસન જરૂર બદલાશે પણ જમ્મુ-કાશ્મીર સાથે સંબંધો સમાપ્ત થશે અમે કલમ ૩૭૦ સાથે છેડછાડ કરવામાં આવશે તો ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત કાશ્મીરના લોકો તેનો વિરોધ કરશે. સોજે ઉમેર્યું કે, નફરતના વેપારીઓ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. અમારો સંબંધ સેક્યુલર ભારત સાથે છે. આ દરમિયાન પીપલ્સ કોન્ફરન્સ અધ્યક્ષ સજ્જાદ ગની લોને જમ્મુ-કાશ્મીરમાં લાગુ બંધારણીય જોગવાઈઓ સાથે છેડછાડ નહીં કરવા રાજ્યપાલ સત્યપાલ મલિકને જણાવ્યું છે. સાથે જ લોને રાજ્યપાલને એવી ચીમકી આપી કે, જેના દૂરગામી દુષ્પરિણામ આવી શકે છે તેવા કોઈપણ નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈએ.