પ્રાંતિજ, તા.૧૦
છેલ્લા રર વર્ષના ભાજપના એક હથ્થુ શાસનથી ખેડૂતો, યુવાનો, ગરીબો, વેપારીઓ તથા ફિક્સ પગારદાર કર્મીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્ય સરકારના પ્રજા વિરોધી પગલાંઓ સામે આહલેક જગાવવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાબરકાંઠાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આવતીકાલે તા.૧૧/૧૧/૧૭ને શનિવારે સવારે ૯ઃ૩૦ કલાકે એસટી ડેપો પાસે યુવા રોજગાર, ખેડૂત અધિકાર સંમેલન યોજશે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ સહિત ચાર સ્થળે રાહુલગાંધીની જાહેરસભા યોજાશેજેમાં ગુજરાતના પ્રભારી અશોક ગેહલોટ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, મોહનસિંહ રાઠવા, શ્રીમતી વર્ષાતાઈ ગાયકવાડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણીભાઈ પટેલ, પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ કે. બારૈયા વગેરે કોંગ્રેસ આગેવાનો હાજર રહેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રાંતિજ ખાતે સભા સંબોધિત કરવાના હોય તેને લઈને સભાસ્થળ ઉપર રાત સુધી તડામાર તૈયારીઓ ચાલી હતી. કોંગ્રેસના ઉમેદવાર અને પ્રાંતિજ- તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસવડા સહિત પોલીસ કાફલો પણ જોવા મળ્યો હતો. સભાસ્થળ સહિત આજુબાજુમાં ૧ પો.સ.ઇ. ૬ પીઆઈ, ૧૨૫ પોલીસ, ૧૭ લેડીઝ પોલીસ, ૧૧૫ હોમગાર્ડ સહિતનો કાફલો સભાસ્થળ સહિત આજુબાજુમાં ગોઠવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સાંભળવા માટે પ્રાંતિજ- તલોદમાંથી હજારોની સંખ્યા જનમેદની ઉમટી પડશે.