અમદાવાદ,તા.૧૧
સાબરમતી નદીમાં સિ-પ્લેન ચલાવવાની જાહેરાત એ માત્ર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વોટ મેળવવાનું ગતકડું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આજે મળેલી બોર્ડ બેઠકમાં એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે ખુલાસો કર્યો હતો કે, સાબરમતી રિવરફન્ટ કંપની દ્વારા સિ-પ્લેન ઉડાવવાનું કોઈ આયોજન નથી. એમ જણાવી મ્યુનિ. વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ વ્યંગ કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ જેમ રૂા. ૧પ લાખ તમારા ખાતામાં જમા થશે તેવો વાયદો કર્યો હતો તેવો જ જુમલો સિ-પ્લેન અંગે પણ સાબિત થશે. મ્યુનિ. વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.ની આજે યોજાયેલી બોર્ડની બેઠકમાં ડાયરેકટરની રૂએ મેં, મ્યુનિ. કમિશનર મુકેશકુમારને પૃચ્છા કરી હતી કે, સાબરમતી રિવરફ્રન્ટમાં સિ-પ્લેન ઉડાડવા અંગે શું આયોજન છે ? એરપોર્ટ ઓથોરિટીએ શું આ અંગે મંજૂરી આપી છે ખરી ? આ બંને પ્રશ્નોના જવાબમાં સાબરમતી રિવરફ્રન્ટના ચેરમેન મંજુલા સુભ્રમણ્યમે તો કોઈ સત્તાવાર જવાબ આપ્યો ન હતો પણ તેમના બદલામાં મ્યુનિ. કમિશનર મુકેશકુમારે જવાબ આપ્યો હતો કે, સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા સિ-પ્લેન ઉડાડવાનું કોઈ આયોજન કરાયું નથી આ અંગે અમને કંઈ ખબર નથી. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન કંપનીની જવાબદારી છે કે તેમના તાબાની જગ્યામાં કોઈપણ નવું આયોજન કરવાનું હોય તો તેમની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે. મ્યુનિ. કમિશનરના જવાબથી એ સ્પષ્ટ થાય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ પાસે સિ-પ્લેન ઉડાવવાનું કોઈ આયોજન નથી. જો સિ-પ્લેન ઉડાવવાનું હોય તો તેના માટે ચોકકસ જગ્યાએ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવું પડે તે અનિવાર્ય છે જેના માટે સાબરમતી રિવરફ્રન્ટ કંપની પાસે જમીન લેવી પડે પણ અહીં સાબરમતી રિવરફ્રન્ટ કંપનીના સત્તાવાળાઓને તો સિ-પ્લેન અંગે કંઈ ખબર નથી તેમનું કોઈ આયોજન નથી. નાગરિકોને માત્ર સિ-પ્લેનના સપના દેખાડયા હતા જે વોટ મેળવવા પૂરતા મર્યાદિત હતા. જેનું વાસ્તવિકતા સાથે લેવા દેવા નથી. આમ ચૂંટણી પ્રચાર દરમ્યાન મોટા વાયદા કરવા એ ભાજપનું ચાલ અને ચરિત્ર છે પણ જયારે તેની અમલવારીની વાત આવે તો ભાજપ તેનો અસલી ચહેરો દેખાડી દે છે લોકસભા ર૦૧૪ની ચૂંટણીમાં જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે બે કરોડ બેરોજગારોને નોકરી આપવાનો વાયદો કર્યો, દરેક નાગરિકોના ખાતામાં ૧પ લાખ જમા કરાવવાનો વાયદો કર્યો ખેડૂતોના દેવા માફ કરવાનો વાયદો કર્યો, ખેડૂતોને ટેકાના ભાવ વધારી આપવાનો વાયદો કર્યો તે પૈકીના એક પણ વાયદા નિભાવ્યા નથી માત્રને માત્ર નાગરિકોના વોટ લેવા જુમલા કર્યા હતા એવું જ કંઈક સિ-પ્લેનનું છે. આથી ભાજપના શાસકોએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સિ-પ્લેન જેવા મોટા વાયદા કર્યા છે તે અંગે માફી માગવી જોઈએ.