(એજન્સી) કોચીન, તા.૩
કેરાલા સરકાર સુપ્રીમ કોર્ટના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા માટેના ચુકાદાના અમલની તૈયારી કરી રહી છે. બીજી તરફ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ આ મુદ્દે સરકારને ઉતાવળ નહીં કરવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, ચુકાદા સામે લોકોમાં અસંતોષ છે. ભાજપે કોર્ટના ચુકાદા સામે રાજ્ય સરકારને વટહુકમ લાવવા અપીલ કરી છે તો કોંગ્રેસે ત્રાવણકોર દેવાશ્રમ બોર્ડને ચુકાદા સામે પુનઃસમીક્ષા અપીલ કરવા જણાવ્યું છે. રાજ્ય ભાજપના પ્રમુખ પીએસ શ્રીધરન પિલ્લાઈએ કહ્યું કે, તેમનો પક્ષ હિન્દુઓની આસ્થા સાથે કોઈપણ સંજોગોમાં સાથે છે. આ મુદ્દે સંઘ પરિવાર સાથે કોઈ વિવાદ નથી. સંઘ દ્વારા તમામ મહિલાઓને દક્ષિણના મંદિરોમાં પ્રવેશ માટે તરફેણ કરાઈ છે. પરંતુ કેરાલામાં સ્થિતિ જુદી છે. પિલ્લાઈએ કહ્યું કે, સીપીએમની સરકાર મંદિરોનો વિનાશ કરવા માંગે છે. જે હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે. સબરીમાલા સામે સામ્યવાદીઓનું કાવતરું છે. સરકારે સુપ્રીમ કોર્ટના હુકમ સામે વટહુકમ લાવવો જોઈએ. ૧૦થી પ૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશનો નિર્ણય મંદિરના મહંતોએ કરવો જોઈએ. ભાજપ યુવા મોરચો અને મહિલા મોરચા દ્વારા જો સરકાર તેમની ચિંતાઓને દૂર નહીં કરે તો આંદોલનની ચેતવણી આપી છે.
કોંગ્રેસ નેતા રમેશ ચેનીથલાએ દેવાશ્રમ બોર્ડને કોર્ટમાં પુનઃ વિચારણા અરજી દાખલ કરવા કહ્યું છે. સામાજિક અને ધાર્મિક લાગણીઓને કોર્ટના ચુકાદાના અમલ પહેલાં ગંભીરતાથી લેવી જોઈએ. તમામ ધાર્મિક સ્થળો પરંપરા મુજબ કામ કરે છે. જેનું ઉલ્લંઘન શ્રદ્ધાને ઠેસ પહોંચાડે છે.
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમાન ચાંડીએ કહ્યું કે, સરકારે ઉતાવળે સુપ્રીમના ચુકાદાનો અમલ કરવો ન જોઈએ. કોર્ટના હુકમથી બંધાયેલા છીએ, પરંતુ તે શ્રદ્ધાળુઓમાં ઊંડી ચિંતા પેદા કરે છે.
પદ્માલમના પૂર્વ રાજવી આર.આર.વર્માએ કહ્યું કે, સબરીમાલા મંદિરના ધાર્મિક હક્કોના પાલન માટે તેમને સત્તા છે. પરિવાર સુપ્રીમના ચુકાદાથી નકલ મળ્યા બાદ પુનઃ વિચારણા અરજી કરશે. રોયલ પરિવારે મંદિરને સૃરકાર હસ્તક મૂક્યું હતું. કોર્ટે સબરીમાલા દેવાલયની સ્થિતિનું પૂરેપૂરું વિશ્લેષણ કર્યું નથી. ચુકાદો શ્રદ્ધાનું અપમાન છે.