(એજન્સી)
થિરૂવનંતપુરમ, તા.૫
કેરળ ભાજપના અધ્યક્ષ પીએસ શ્રીધરને એમ કહીને મોટો વિવાદ સર્જ્યો છે કે, સબરીમાલા મુદ્દો ભાજપ માટે સોનેરી તક હતી. એક વાયરલ થતી ઓડિયો ક્લિપમાં ભાજપના અધ્યક્ષ એવો દાવો કરતા સંભળાઇ રહ્યા છે કે, મંદિરમાં ૧૦-૫૦ વર્ષની વયજૂથની મહિલાઓ પ્રવેશ કરશે તો તેઓ મંદિરના બંધ કરી દેશે તેવા મામલે સબરીમાલા મંદિરના મુખ્ય પુજારી તેમને મળ્યા હતા. આ વીડિયો કોઝિકોડમાં શ્રીધરન રાજ્યના યુવા મોરચાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારનો છે. ભાજપના અધ્યક્ષ જણાવે છે કે, મંદિરના મુખ્ય પુજારી પહેલા મંદિરના દ્વાર બંધ કરવામાં કોર્ટનો સામનો કરવા અંગે ભયભીત હતા પણ મારા સંપર્કમાં આવ્યા બાદ તેઓએ નિર્ણય લીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાંત્રિક સમુદાય ભાજપ અને તેના પ્રમુખમાં વધુ વિશ્વાસ ધરાવે છે. જ્યારે મહિલાઓ મંદિરમાં પ્રવેશવાની વાત આવી ત્યારે તેમણે મને ફોન કર્યો હતો. મેં તેમને જે શબ્દો કહ્યા તે આકસ્મિક રીતે સાચા પડ્યા. તેઓ કોર્ટની કાર્યવાહીથી ભયભીત હતા. તેઓએ મારો સંપર્ક કર્યો ત્યારે હું કેટલાક લોકો સાથે હતો. બેઠકમાં શ્રીપ્રધાન પિલ્લઇ એવું કહેતા સંભળાયા હતા કે, સબરીમાલા દેખાવો ભાજપનો એજન્ડા હતો. અમારા પાર્ટીના મહાસચિવો તેને સફળ બનાવવા માટે કામ કરતા હતા. જ્યારે સબરીમાલામાં પ્રવેશ માટે આઇજી શ્રીજીથ બે મહિલાઓને લઇને આવ્યા ત્યારે યુવા મોરચાના કાર્યકરોએ તેમને રોક્યા હતા. હવે એ જોવાનું છે કે, રાજ્ય સરકાર શું કરે છે. મેં કહ્યું તે એકલા નથી. આપણે પહેલા તો કોર્ટની અવમાનનાનો સામનો કરવો પડશે. મારી સાથે દસ હજારથી વધુ લોકો હશે. મારા આ શબ્દોથી તેમણે મંદિરના કપાટ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી પોલીસ અને વહીવટીતંત્ર અકળાઇ ઉઠ્યું હતું. અમને આશા છે કે, પુજારીફરી તેવું જ કરશે.

સબરીમાલાના કપાટ ખૂલતાં પ૦ વર્ષથી વધુ ઉંમરની મહિલા પોલીસ પણ તૈનાત

(એજન્સી) સબરીમાલા, તા. ૫
સબરીમાલા વિવાદમાં ભાજપના અધ્યક્ષ શ્રીધરન પિલ્લઇ પોતે શ્રેય લેવાનો વીડિયો વાઇરલ થયા બાદ કેરળના યાત્રાધામ ફરતે સનસનાટી ફેલાઇ છે. એક સ્થાનિક સમાચાર ચેનલે વીડિયો દેખાડતા મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું કે, ભાજપ સબરીમાલામાં વિવાદ ઊભો કરવા માગતો હતો. આ મહિને ફરી મંદિરના કપાટ સોમવારે ખૂલતા ૨૦ કમાન્ડો ટીમના સભ્યો સહિત ૨૩૦૦ સુરક્ષા જવાનો અને ૫૦ વર્ષથી વધુની ઉંમરની ૧૫ મહિલા પોલીસકર્મીઓ શાંતિ જાળવી રાખવા માટે તૈનાત કરાયા હતા. ગયા મહિને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મંદિરમાં પ્રવેશ માટે ભારે ધાંધલ સર્જાઇ હતી.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. સોમવારે મંદિરના દ્વારા પાંચ કલાક માટે ખૂલતા ૫૦ વર્ષથી વધુ ઉંમરની મહિલા પોલીસ કર્મીઓને તૈનાત કરાઇ હતી. પોલીસે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સઘન ચેકિંગ કરી હતી.
૨. ગયા મહિને જ્યારે મંદિરના કપાટ ખૂલ્યા હતા ત્યારે તમામ આયુની મહિલાઓના પ્રવેશ માટે ઘણો વિવાદ થયો હતો તથા ભાજપ અને અન્ય હિંદુવાદી સંગઠનોએ મહિલાઓના પ્રવેશનો વિરોધ કર્યો હતો. બીજી બાજુ રાજ્ય સરકાર કોર્ટના આદેશનું પાલન કરાવવા માટે આકરી સુરક્ષા ગોઠવી હતી.
૩. સોમવારે મંદિરના કપાટ સાંજે પાંચ વાગે ખૂલ્યા હતા અને રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા.
૪. મંદિરના માર્ગે આવતા બેઝ કેમ્પ નિલકલ ખાતે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના ઐયપ્પા શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા.
૫. કેરળના મંત્રી કડાકંપાલ્લી સુરેન્દ્રને કહ્યું છે કે, અત્યારસુધી ૫૦ વર્ષથી ઓછી ઉંમરની કોઇ મહિલાએ પ્રાર્થના માટે પોલીસ સુરક્ષા માગી નથી.
૬. સબરીમાલાની ઘટનાઓના કવરેજ માટે જઇ રહેલી મહિલા મીડિયા કર્મીઓને સબરીમાલા કર્મ સમિતિ અને વિશ્વ હિંદુ પરિષદ સહિતના કટ્ટરવાદી સંગઠનોએ ન મોકલવા મીડિયા હાઉસને કહ્યું હતું.
૭. સમિતિએ આરોપ લગાવ્યો છે કે, સુપ્રીમે ૧૩મી નવેમ્બરે સુનાવણી કરવાનું કહ્યું હોવા છતાં રાજ્ય સરકાર જૂના આદેશનું કડકપણે અમલ કરાવે છે.
૮. દેખાવોને બળ આપનારા ઐયપ્પા ધર્મસેનાના અધ્યક્ષ રાહુલ ઇશ્વરે વીડિયો મેસેજમાં કહ્યું હતું કે, પોલીસની જેમ અમે પણ સજ્જ છીએ.
૯. સબરીમાલા તંત્રી પરિવાર સાથે સંબંધ ધરાવનાર ઇશ્વરની ગયા મહિને થયેલા દેખાવો દરમિયાન ધરપકડ કરાઇ હતી.
૧૦. ગયા મહિને મંદિરમાં પ્રવેશ માટે થયેલી હિંસામાં ૩૭૦૦ લોકોની ધરપકડ કરાઇ હતી અને ૫૪૫ ફરિયાદો નોંધાઇ હતી.

સબરીમાલાની જેમ કોલકાતાના ૩૪ વર્ષ જૂના કાલી પૂજા પંડાલમાં મહિલાઓને પ્રવેશ અપાતો નથી

(એજન્સી) કોલકાતા, તા. ૫
સબરીમાલા મંદિરના ઓછાયા કોલકાતામા યોજાતા કાલી પુજા પંડાલમાં પણ પડી રહ્યા છે જ્યાં વિદ્વાનોના દેખાવ છતાં કાલી પુજા કમિટી પંડાલમાં મહિલાઓને પ્રવેશ આપતી નથી. બિરભૂમ જિલ્લાના તારાપીઠના પંડિત દ્વારા ૩૪ વર્ષ પહેલા આ મૂર્તિની પુજા શરૃ કરાઇ હતી ત્યારબાદથી અહીં પંડાલમાં મહિલાઓને પ્રવેશ અપાતો નથી. આ અંગેની માહિતી ચેતલા પ્રદીપ પુજા કમિટીના સભ્યોએ જ માહિતી આપી હતી. કમિટીના સંયુક્ત સચિવ સાઇબલ ગુહાએ કહ્યું કે, પુજા દરમિયાન કોઇ મહિલા પંડાલમાં ન આવે તેવા કાયદાનું પાલન કરવા માગીએ છીએ અને જો તેવું થાય તો શોકપૂર્ણ ઘટના ગણાય. અમે છેલ્લા ૩૪ વર્ષની પરંપરાને તોડી ના શકીએ. પુજા પાઠ કરતી વખતે પુજા કમિટીના પુરૂષ સભ્યો પ્રસાદ અને ભોજન મૂર્તિ આગળ મુકે છે. દાસે કહ્યું કે, અમારી પુજા કમિટીમાં મહિલા સભ્યો પણ છે પરંતુ તેઓ પંડાલમાં પ્રવેશતી નથી કારણ કે તેઓ જાણે છે કે આ દેવીનું અપમાન હોઇ શકે.

સબરીમાલાના કપાટ ફરી ખૂલ્યા, ૨૦૦૦થી વધુ પોલીસકર્મીઓ મંદિર ફરતે ગોઠવાયા

(એજન્સી) થિરૂવનંતપુરમ, તા. ૫
સોમવારે ભગવાન ઐયપ્પા મંદિરના કપાટ ખુલવાની સાથે જ મંદિરની આસપાસ ૨૦૦૦થી વધુ પોલીસકર્મીઓ ગોઠવાઇ ગયા હતા. ગત મહિનાની યાત્રામાં આશરે ૨૩૦૦ જેટલા પોલીસકર્મીઓ ગોઠવાયા હતા. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મંદિરના પગથિયા પર બપોર બાદ યાત્રાળુઓને આવવા દેવાશે. મંદિરના કપાટ સોમવારે સાંજે પાંચ વાગે ખુલ્યા હતા અને તે મંગળવારે રાતે ૧૦ વાગે બંધ થશે. શેરીઓમા થતા દેખાવોને અંકુશમાં લેવા માટે પથનમથિટ્ટાના જિલ્લા કલેક્ટર પીબી નૂહે મંદિર નગરીમાં ચારથી વધુ લોકો ભેગા થવા સામે આચારસંહિતા લાદી છે. સુપ્રીમ કોર્ટના ૨૮મી સપ્ટેમ્બરના આદેશના વિરોધમાં ભાજપ અને અન્ય હિંદુ સંગઠનો દ્વારા બાંયો ચડાવાઇ છે જેમાં આદેશ અપાયો હતો કે, મંદિરમાં કોઇપણ વયની મહિલા પ્રવેશ કરી શકે છે. બીજી તરફ કેરળ સરકારે કહ્યું છે કે, દેખાવકારો સામે કડક પગલાં લેવામાં આવશે. મંદિર નગરી પામ્બાના બેઝ કેમ્પ નિલકલથી તમામ માર્ગો વચ્ચે સોમવારથી બેરિકેડ મુકી દેવાયા છે. આ માર્ગ પર જતા દરેક વાહનને પોલીસ તપાસી રહી છે. સોમવારે દેખાવો બાદ પોલીસે મીડિયાને અહીં જવા માટે પરવાનગી આપી હતી. બીજી તરફ પોલીસ તપાસ સામે કેરળ ભાજપના પ્રવક્તા એમટી રમેશે ચેતવણી ઉચ્ચારી હતી.