(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.ર૬
કેરળના સબરીમાલામાં મંદિર ખુલ્યાને ૧૦ દિવસો થઈ ગયા છે પણ અત્યાર સુધી મંદિરમાં ૧૦થી પ૦ વર્ષની મહિલાઓને પ્રવેશવા દેવાયા નથી. દરમિયાનમાં મહિલાઓના પ્રવેશની શક્યતાઓ વધી ગઈ છે. આ વર્ષમાં જ જાન્યુઆરી મહિનામાં સબરીમાલા મંદિરમાં પહેલી વખત પ્રવેશ કરનાર બે મહિલાઓમાંથી એક બિંદુ અમ્યિની ઉપર મરચાની ભૂક્કી ફેંકાઈ હતી. અમ્યિનીએ કહ્યું આજે સવારે અર્નાકુલમ શહેરના પોલીસ વડાની ઓફિસની બહાર એક વ્યક્તિએ મારા ઉપર મરચાંની ભૂક્કી ફેંકી હતી. બીજી બાજુ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા માટે સામાજિક કાર્યકર તુપ્તિ દેસાઈ કોચ્ચી પહોંચી ગઈ છે. એમણે સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની યોજના બનાવી છે. એમને રોકવા માટે પણ કેટલાક લોકો ચોકી કરી રહ્યા છે. નોંધનીય છે કે, સુપ્રીમકોર્ટે સબરીમાલા મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોમાં મહિલાઓના પ્રવેશ અંગેનો કેસ સાત જજોની બેંચને મોકલી આપ્યો છે. જો કે, કોર્ટે પોતાના ર૮મી સપ્ટેમ્બર ર૦૧૮ના આદેશ ઉપર રોક નથી મૂકી જેમાં એમણે બધી વયની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવા આદેશ કર્યો હતો.