(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.૧૫
સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશને પરવાનગી આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ વિરૂદ્ધ કેરળના પાટનગર તિરૂવનંતપુરમમાં મહિલાઓ અને બાળકો સહિત ભગવાન ઐયપ્પાના હજારો ભક્તોએ દેખાવો કર્યા હતા. માસિક વિધિઓ માટે બુધવારે જ્યારે મંદિરના દ્વાર ખુલવાના છે ત્યારે દેખાવકારોએ ચેતવણી આપી છે કે, તેઓ મંદિર પરિસરમાં મહિલાઓને પ્રવેશવા નહીં દે અને જો જરૂર પડશે તો પ્રવેશદ્વાર પર જીવ આપી દેશે. એનડીએની આગેવાનીવાળી રાજ્ય ભાજપ એકમના નેતૃત્વમાં યોજાયેલી ‘સબરીમાલા બચાવો’ ઝૂબેશમાં ભક્તો સૂત્રોચ્ચારો, ભગવાન ઐયપ્પાના ફોટા તથા ભાજપ પાર્ટીના ઝંડા સાથે આવ્યા હતા. દરમિયાન ભાજપે રાજ્યની વિજયન સરકારને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ બાદ જ પ્રસિદ્ધ સબરીમાલા મંદિર માસિક પુજા માટે ફરીથી ખોલવામાં આવશે. આ વખતે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે પ્રથમવખત મહિલાઓ પણ મંદિરમાં પ્રવેશી શકશે. જોકે, આ અંગે વિવાદ હજુ પણ ઘેરાયેલો છે. આ પ્રકરણમાં ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડે તંત્રી પરિવાર, પંડલમ પેલેસના પ્રતિનિધિ અને ઐયપ્પા સેવા સંગમના નેતાઓ સાથે મંગળવારે બેઠક કરવાનો નિર્ણય લીધો છે જેથી ૧૭ નવેમ્બરથી શરૂ થનારા વાર્ષિક ઉત્સવ મંડલમ મકારાવીલક્કુ પહેલા તૈયારીઓની ચર્ચા કરી શકાય. જોકે, પંડલમના રાજકીય પરિવાર અને મંદિરના પુજારીઓએ પોતાની હાજરી આપવાનો કોઇ ખુલાસો કર્યો નથી. બોર્ડના પ્રમુખ પદ્મકુમારે જણાવ્યું હતું કે, તેઓને આવવા દો અને વિચારો વ્યક્ત કરવા દો. મંદિર મુદ્દે તમામ માન્યતાઓ અંગે અમે યોગ્ય નિર્ણય લઇશું. મંદિરને ખોલવા માટે આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ દીધી છે. જોકે, અત્યારસુધી મહિલાઓ માટે કોઇ ખાસ સુવિધા કરાઇ નથી. ડાબેરીઓની આગેવાનીવાળી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ વિરૂદ્ધ કોઇ પગલાં ન લેવાયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંને તેનો વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકો રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના પ્રવેશને અટકાવવાના વટહુકમ લાવવાની માગણી પણ કરી રહ્યા છે.