(એજન્સી) થિરૂવનંતપુરમ, તા. ૩
કેરળના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ સમગ્ર રાજ્યમાં તંગદિલીની સ્થિતિ સર્જાઇ છે. સબરીમાલાનો વિવાદ વકર્યા બાદ સમગ્ર રાજ્યમાં હિંસક પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. બીજી તરફ ગુરૂવારે થયેલા હિંસક પ્રદર્શનો વચ્ચે કેટલાક સંગઠનો દ્વારા સમગ્ર રાજ્યમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે હિંસક બનતા ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક પોલીસ ટુકડી પર દેશી બોમ્બ ફેંકાતા ૩૮ જવાનો પણ ઘાયલ થયા હતા. પથ્થરમારા અને આગચંપીના બનાવોમાં ભાજપના કાર્યકરનું મોત થયું હતું. દરમિયાન કેરળના મુખ્યમંત્રી પિનરઇ વિજયને ગુરૂવારે જણાવ્યું હતું કે, સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશના વિરોધમાં દેખાવો દરમિયાન ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં ૩૮ પોલીસ જવાનોનો સમાવેશ થાય છે. ગુરૂવારે હિંદુ ઐક્ય વેદી અને યુડીએફ સાથે કોંગ્રેસે પણ બંધની જાહેરાત કરી હતી.
સબરીમાલા મંદિરમા મહિલાઓના પ્રવેશનો વિરોધ કરવા માટે સબરીમાલા કર્મ સમિતિને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે ટેકો આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં હિંસક તોફાનો શરૂ થયા બાદ થિરૂવનંતપુરમ, પલક્કડ અને કસારગોડમાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પંડલમમાં પથ્થરમારામાં ઇજાગ્રસ્ત બનેલા સબરીમાલા કર્મ સમિતિના સભ્યનું મોત થયું હતું. મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, સમગ્ર રાજ્યમાં અથડામણો દરમિયાન સીપીઆઇની કચેરીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સંઘ પરિવાર દ્વારા આ પાંચમી વખત રાજ્યવ્યાપી બંધ છે જ્યારે તેમણે હિંદુવાદી સંગઠનો પર દેખાવો દરમિયાન હિંસા ફેલાવવાનો આરોપ મુક્યો હતો. રાજકીય પાર્ટીઓનો છેલ્લો હથિયાર હડતાળ જ બન્યું છે. પણ ભાજપે નફરતને કારણે હડતાળ પાડી છે. વિજયને એમ પણ કહ્યું કે, સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવા માગતી મહિલાઓએ સુરક્ષા માગી હોવાને કારણે જ તેમને સંરક્ષણ આપવામાં આવ્યું. આ બંને મહિલાઓને સબરીમાલામાં હવામાંથી ફેંકાઇ નથી. તેઓ સામાન્ય શ્રદ્ધાળુની જેમ મંદિરની મુલાકાતે આવી હતી. ત્યારે કોઇ શ્રદ્ધાળુએ વિરોધ કર્યો ન હતો. મહિલાઓના મંદિરમાં પ્રવેશ બાદ મંદિરને પવિત્ર કરવા માટે મંદિરના કપાટ બંધ કર્યા હતા જેની સામે મુખ્યમંત્રીએ કહ્યું કે, મંદિરના તંત્રી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નથી કરી રહ્યા. તેઓ પોતાના પદ પર જળવાઇ રહેવા જોઇએ નહીં.

સબરીમાલામાં મહિલાઓનો પ્રવેશ
આવકાર્ય : ભાજપ સાંસદ ઉદિત રાજ

(એજન્સી) નવી દિલ્હી, તા.૩
એસસી/એસટી સંગઠનોના અખિલ ભારતીય મહામંડળના વડા અને ભાજપના સાંસદ ઉદિત રાજે તેમના પક્ષના વલણથી વિપરીત કેરળના સબરીમાલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશનું સ્વાગત કર્યું છે. બે મહિલાઓ – કનકદુર્ગા અને બિન્દુએ બુધવારે વહેલી સવારે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરીને પૂજા કરનાર પ્રથમ મહિલાં બની ગયાં છે. સુપ્રીમકોર્ટે ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવા દેવાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ કનકદુર્ગા અને બિન્દુ સબરીમાલા મંદિરમાં પ્રવેશનાર પ્રથમ મહિલા છે. ઉદિત રાજે જણાવ્યું કે આ તેમનો અંગત અભિપ્રાય છે અને માસિક દરમિયાન મહિલાઓ અપવિત્ર હોવાની દલીલો તેમણે ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું કે પુરૂષો પણ મહિલાની કૂખેથી જન્મે છે, તેથી પુરૂષોને પણ અપવિત્ર ગણવા જોઇએ. તેમણે એવો પ્રશ્ન કર્યો કે પુરૂષોને અપવિત્ર ગણવામાં આવતા નથી તો મહિલાઓ કેવી રીતે અપવિત્ર હોઇ શકે છે ?

ભાજપ-સંઘના કાર્યકરોએ પત્રકારોને નિશાન બનાવ્યા, મહિલા મીડિયાકર્મીઓ પર હુમલા કર્યા

(એજન્સી) થિરૂવનંતપુરમ, તા. ૩
સબરીમાલા મંદિરમાં બે મહિલાઓએ વર્ષો જુની પરંપરા તોડી પ્રવેશ કર્યા બાદ બંધ દરમિયાન હિંસક ઘટનાઓ બની છે જેમાં હિંદુવાદી સંગઠનોએ બંધનું એલાન આપી રાજ્યભરમાં ચક્કાજામ કર્યું હતું. દેખાવાકારોએ રોડ જામ કર્યા હતા અને બજારો બંધ કરાવ્યા હતા. પોલીસે કહ્યું કે, ઘણા સ્થાનો પર સત્તાધારી માકપાની કચેરીઓ પર હુમલા કરાયા છે જ્યારે સરકારી બસોમાં તોડફોડ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં દેવસ્વોંમ સાથે સંકળાયેલા કાર્યાલયો બંધ કરાયા હતા. પોલીસે કહ્યું કે, સચિવાલય સામે ભાજપ અને સંઘના કાર્યકરોએ મીડિયા કર્મીઓ પર પણ હુમલા કર્યા હતા એટલું જ નહીં મહિલા મીડિયાકર્મીઓને પણ તેમને નિશાન બનાવી હતી.

સબરીમાલા મંદિરમાં દરેક મહિલાને પૂજા કરવાનો અધિકાર છે : વૃંદા કરાત

(એજન્સી) હૈદરાબાદ, તા.૩
સબરીમાલા મંદિરમાં દરેક મહિલાઓને પૂજા કરવાનો અધિકાર છે. તેમ સીપીઆઈ(એમ)ના વરિષ્ઠ નેતા વૃંદા કરાતે જણાવ્યું હતું. બે જાન્યુઆરીએ મધ્યરાત્રિના કલાકો દરમિયાન બે મહિલાઓએ ચુસ્ત બંદોબસ્ત સાથે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
સીપીઆઈ(એમ) પોલિત બ્યૂરોના સભ્ય વૃંદા કરાતે દાવો કર્યો હતો કે, કેરળની એલડીએફ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ પાડી રહી છે કે, જેના માટે સરકાર પૂર્ણ સુરક્ષા પૂરી પાડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ર૮ સપ્ટેમ્બરના રોજ ભારતની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓને પ્રવેશવાનો તેમજ પૂજા કરવાનો અધિકાર છે. જો કે, કોર્ટના ચુકાદા બાદ પણ ઘણા લોકોએ ચુકાદાનો વિરોધ કર્યો હતો.