(એજન્સી) તિરૂવનંતપુરમ્‌,તા.૧૯
ભગવાન ઐયપ્પાના વિશ્વ વિખ્યાત મંદિર સબરીમાલામાં પુડુચેરીથી પિતા સાથે દર્શન કરવા આવેલી ૧૨ વર્ષની તરૂઈને અટકાવવામાં આવી હતી. મંગળવારે સવારે આ તરૂણીની પમ્બા કેમ્પ પર જ અટકાયત કરવામાં આવી હતી. ભગવાન ઐયપ્પાના મંદિરમાં દર્શન માટેની ક્યૂ (લાઈન)ના બુકિંગમાં તેની ઉંમર ૧૦ વર્ષ બતાવવામાં આવી હતી. જો કે મહિલા પોલીસે તરૂણીનું આધાર કાર્ડ તપાસવા માંગ્યું હતું અને તેના આધારે તેની ઉંમર ૧૨ વર્ષ હોવાનું માલૂમ પડ્યું હતું. જેને પગલે તેને મંદિરમાં દર્શન કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી હતી. જો કે તરૂણીના પિતા તેમજ તેની સાથેના અન્ય શ્રદ્ધાળુઓએ ભગવાન ઐયપ્પાના દર્શન કર્યા હતા. સદીઓથી ચાલતી આવતી પરંપરા મુજબ રજસ્વલા ઉંમર ધરાવતી મહિલાઓને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ મુદ્દે ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટે તમામ વયજૂથની મહિલાઓને પ્રવેશ આપવાનો ચુકાદો આપ્યો હતો જેના વિરુદ્ધ થયેલી પિટિશનને લાર્જર બેન્ચ સમક્ષ રીફર કરવામાં આવી છે. જો કે રાજ્ય સરકાર કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે સતર્કતા રાખી રહી છે.