(એજન્સી) કોલકાતા, તા.૮
તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વએ રવિવારે બિઘાનનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના મેયર સબ્યસાચી દત્તાની પાર્ટી વિરોધી નિવેદન આપવાના આરોપસર હકાલપટ્ટી કરી છે અને તેમની પાસેથી મેયર પદની સત્તાને છિનવીને તેમના ડેપ્યુટી મેયરને સોંપી દેવામાં આવી છે. આ નિર્ણય બીએમસી કાઉન્સિલર્સની એક કટોકટીની બેઠકમાં લેવામાં આવ્યો કે જેમણે પાર્ટીના સુપ્રિમો મમતા બેનરજીને પાર્ટીમાં દત્તાના ભવિષ્યને નક્કી કરવા વિનંતી કરી હતી. આ બેઠકમાં વરિષ્ઠ ટીએમસી નેતા અને મંત્રી ફિરહાદ હકીમ ઉપસ્થિત રહ્યા હતા. ટીએમસી સૂત્રોએ જણાવ્યું કે, આ બેઠકમાં દત્તાને આમંત્રણ અપાયું નહોતું. આ બેઠકમાં હાજર રહેલા ઘણા કાઉન્સિલર્સે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે તેઓને મેયર પદેથી હાંકી કાઢવામાં આવે. રસપ્રદ વાત તો એ છે કે ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે દત્તા એક લોકપ્રિય નેતા છે કે જેઓ ભગવા પાર્ટીની મદદ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટીએમસી સૂત્રોએ જણાવ્યું કે, કટોકટીની બેઠકમાં બીએમસીના ડેપ્યુટી મેયર તાપસ ચેટર્જીને વધારાની જવાબદારીઓ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ અંગે જો જરૂર જણાશે તો કાઉન્સિલર્સની એક બેઠકને ફરી બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઘણા બધા કાઉન્સિલર્સ દ્વારા આગામી મેયર તરીકે ચેટર્જીના નામનું સૂચન કરવામાં આવ્યું હતું તેમ છતાંય હકીમે કહ્યું હતું કે આ અંંગે કોઈપણ નિર્ણય બેનર્જી દ્વારા લેવામાં આવશે.