(એજન્સી) તા.૬
શુક્રવારે રાજસ્થાન વિધાનસભા માટે મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે ઘણા વિશ્લેષકો અને લોકોનું માનવું છે કે મતદારોનું સેન્ટિમેન્ટ હવે ભાજપ અને મુખ્યપ્રધાન વસુંધરા રાજે વિરુદ્ધ અનેેે કોંગ્રેસ તરફી છે. જો કે સામે પક્ષે એવા અહેવાલો છે કે ભાજપે પોતાની સ્થિતિમાં સુધારો કર્યો છે. રાજ્યના કોંગ્રેસ પ્રમુખ સચિન પાયલટે કોંગ્રેસે હજુ સુધી મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર કેમ જાહેર કર્યા નથી તે મુદ્દા સહિત વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે ત્યારે ભાજપ બાઉસબેક કરી રહ્યું છે અને અગાઉની અપેક્ષા મુજબ કોંગ્રેસ માટે આ જંગ માનીએ એટલો સરળ રહેશે નહીં. તો તેઓ વર્તમાન રાજકીય સ્થિતિને કઇ રીતે મૂલવે છે ?ે એવું પૂછતા સચિન પાયલટે જણાવ્યું હતું કે મોટા પાયે નાણા વેરીને તેમજ લખનૌ, ભોપાલ કે દિલ્હીથી લોકોને ઉતારીને છેલ્લી ઘડીએ ભાષણો કરવાથી લોકોનું માનસ બદલાતું નથી. વસુંધરાજીએ છેલ્લા પાંચ વર્ષથી લોકોને ભારે યાતના આપી છે. તેમણે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમજ અન્ય ભાજપ નેતાઓ અત્રે આવ્યા છે પરંતુ તેઓ માત્ર બુમબરાડા જ પાડે છે પરંતુ તેના કારણે લોકો મતદારોમાં ફેરવાઇ શકે નહીં કારણ કે મતદારોએ હવે નક્કી કરી નાખ્યું છે અને અમારી જીત નિશ્ચિત છે. રાજસ્થાનમાં સ્પર્ધાત્મક હિંદુત્વ અંગે પ્રચાર ચાલી રહ્યો છે અને રાહુલ ગાંધી પણ હવે પોતાની હિંદુ ઓળખ આપી રહ્યા છે અને વડાપ્રધાન તેમને જવાબ આપી રહ્યા છે. આ અંગે વાત કરતા સચિન પાયલટે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના ભાષણો કૃષિ સંકટ, રોજગારો, અર્થતંત્ર અને ભ્રષ્ટાચાર પર કેન્દ્રીત છે. ભાજપ મરણિયો બન્યો છે અને હનુમાન તેમજ રામ મંદિરની વાતો કરે છે. તેઓ સમગ્ર માહોલને ધાર્મિક અને ભાવનાત્મક બનાવવા માગે છે. પરંતુ લોકો સમજી ગયા છે. આજે ગેસ સિલીન્ડર રૂા.૯૦૦નો પડે છે. એક કિલો દાળનો ભાવ રૂા.૧૨૫ છે.