(એજન્સી) જયપુર, તા.૨૦
રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલટે આજે આરોપ મૂકયો હતો કે, ભાજપ સરકાર રાજ્યની સામાન્ય પ્રજાનું સરમુખત્યારશાહી દ્વારા શોષણ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર પોતાના કાર્યકાળના અંતિમ ચરણમાં છે અને તેની કાર્યશૈલીથીએ સ્પષ્ટ થયું છે કે, આગામી ચૂંટણીઓમાં આ સરકારની વિદાય નક્કી છે. રાજસમંદ જિલ્લામાં ‘મેરા બુથ, મેરા ગૌરવ’ કાર્યક્રમને સંબોધિત કરતા પાયલટે મુખ્યમંત્રી વસુંધરા રાજે પર ટૂંક સમય પહેલાં જયપુરમાં થયેલ વડાપ્રધાનની સભામાં સરકારી ધનનો દુરૂપયોગ કરવાનો આરોપ મૂકયો હતો. તેમણે કહ્યું કે, આ પૈસાનો ઉપયોગ જનકલ્યાણમાં થઈ શકત પરંતુ એ સ્પષ્ટ થયું છે કે, ભાજપ કોઈ પણ ભોગે સત્તામાં ટકી રહેવા માંગે છે. તેને પ્રજાની સમસ્યાના નિકાલમાં કોઈ રસ નહીં અને હવે પ્રજાને તેમને મલવામાં કોઈ રસ નથી. હવે મુખ્યમંત્રી સુરાજ ગૌરવયાત્રાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ તેણી જ્યાં પણ જશે લોકો તેમની પાસે ગત ચૂંટણીઓમાં કરાયેલ વાયદાઓનો હિસાબ માંગશે. પ્રશ્નો કરશે, પરંતુ તેમની પાસે કોઈ જવાબ નહીં હોય.