(એજન્સી) જયપુર, તા.૭
કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો ૧૧મી ડિસેમ્બરે જાહેર થશે. અમારો પક્ષ મુખ્યમંત્રીના ઉમેદવાર બાબતે પરિણામો પછી નિર્ણય લેશે.
રાજસ્થાનમાં પાયલોટ મુખ્યમંત્રીની દોડમાં પ્રથમ શ્રેણીમાં સ્થાન ધરાવે છે. એમણે વિશ્વાસ સાથે કહ્યું કે, ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થશે.
૪૧ વર્ષીય સચિન પાયલોટે કહ્યું કે, પરિણામો પછી અમને બહુમતી મળશે એ પછી અમે મીટિંગ કરી મુખ્યમંત્રી માટે નિર્ણય કરીશું. પત્રકારોએ પાયલોટને પૂછ્યું કે, જો તમારા પક્ષને બહુમતી મળશે તો મુખ્યમંત્રી કોણ બનશે. રાજસ્થાનમાં ર૦૦માંથી ૧૯૯ બેઠકો ઉપર ચૂંટણીઓ યોજાઈ છે. અલવર મતવિસ્તારના બીએસપી ઉમેદવારનું અવસાન થતાં ત્યાં ચૂંટણી રખાઈ છે. પાયલોટે કહ્યું અમે સરકાર રચીશું અને લોકોને અનુભવ થશે કે એમની સરકાર સત્તામાં આવી છે. એમણે કહ્યું કે, ભાજપાએ રાજ્યમાં ગરીબોના વિકાસ માટે ખૂબ જ ઓછું કાર્ય કર્યું છે. ખેડૂતો અને લોકો ભાજપથી નિરાશ છે. અન્ય કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, અમારો પક્ષ વિજય મેળવશે અને સરકાર રચશે. આ વખતે અમારી જ સરકાર રચાશે. રાજ્યના લોકો પણ એ જ લાગણી ધરાવે છે. ગેહલોત પણ મુખ્યમંત્રીની દોડમાં સામેલ છે. એમણે કહ્યું કે, ભાજપને પ૦ જ બેઠકો મળશે.