દુબઈ, તા.૧૯
આઈસીસીએ ભારતના દિગ્ગજ સ્ટાર સચિન તેંડુલકરને ફરી એક મોટું સન્માન આપ્યું છે. આઈસીસીએ માસ્ટર બ્લાસ્ટરને હોલ ઓફ ફેમમાં સામેલ કર્યો છે.
લંડનમાં યોજાયેલા એક સમારોહમાં સચિન ઉપરાંત સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડ અને ઓસ્ટ્રેલિયાની પૂર્વ મહિલા ફાસ્ટ બોલર કેથરિનને આ સન્માન આપવામાં આવ્યું છે. સચિને કહ્યું કે, આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવવું મારા માટે સમ્માનની વાત છે. બધા ખેલાડીઓએ ક્રિકેટને આગળ વધારવા માટે યોગદાન આપ્યું છે. મને ખુશી છે કે મેં મારુ કામ કર્યું છે.
માસ્ટર બ્લાસ્ટર આ સન્માન મેળવનારા છઠ્ઠા ભારતીય ખેલાડી બની ગયા છે. તેના પહેલા બિશન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડ આ સન્માનને મેળવી ચૂક્યા છે. આઈસીસીના મુખ્ય કાર્યકરી અધિકારી મનુ સાહનીએ કહ્યું કે, આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ ૨૦૧૯માં સચિન, એલન અને કેથરીન ત્રણ ઉત્કૃષ્ટ ખેલાડીઓના નામની જાહેરાત કરી.
સચિને ૨૦૦ ટેસ્ટ રમી છે, જેમાં સૌથી વધુ રન અને ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ છે. આ ક્લબમાં સામેલ થયા માટે જેવા સચિને આઈસીસીના માપદંડો પૂરા કર્યા, તરત જ તેને આ ક્લબમાં સામેલ કરી લેવામાં આવ્યો.