નવી દિલ્હી, તા.ર૩
હાલમાં ભારતીય વિકેટકીપર અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈંગ્લેન્ડ સામે વન-ડે શ્રેણી ગુમાવ્યા બાદ આલોચકોએ તેને ટાર્ગેટ કર્યો છે. ઈંગ્લેન્ડ સામે ધોની એ અંદાજમાં રમતો ન દેખાયો જેના માટે તે જાણીતો છે. ત્રીજી વન-ડે ખતમ થયા બાદ જ્યારે ધોનીએ ફિલ્ડ એમ્પાયર પાસેથી બોલ લીધો ત્યારે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવા લાગી કે, ધોની હવે ક્રિકેટમાંથી રિટાયર્મેન્ટ લેવાની તૈયારીમાં છે. જોકે, ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આ અફવાઓનું ખંડન કર્યું.
ધોની અંગે ટીમના પૂર્વ સીનિયર ખેલાડી અને દુનિયાના મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકરનું સમર્થન મળ્યું છે. તેંડુલકરે ધોનીના સન્યાસ અંગેના સવાલ પર કહ્યું કે, આ નિર્ણય સંપૂર્ણપણે તેના પર છે કે, તે ક્યારે ક્રિકેટને અલવિદા કહેવા માગે છે.
સચિને એક મુલાકાતમાં જણાવ્યું કે, આ અંગે ખેલાડીએ પોતે જ નિર્ણય લેવાનો હોય છે. ધોની જેવો ક્ષમતાવાન ખેલાડી, જે આ સ્તરે લાંબા સમયથી રમી રહ્યો છે, તે સારી રીતે જાણે છે કે તેની પાસેથી કેવી આશાઓ રાખવામાં આવે છે તો હું તેના પર જ આ નિર્ણય છોડું છું.