નવી દિલ્હી,તા.૭
એડિલેડ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે આશા મુજબ શરૂઆત કરતાં ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનોને મોટો સ્કોર કરતાં રોક્યા. અશ્વિન જે ઓસ્ટ્રેલિયન ગ્રાઉન્ડ્‌સ પર એટલા અસરકારક નથી રહેતો તે આવતાં જ છવાઈ ગયો. તેણે એક પછી એક ત્રણ વિકેટ ઝડપી અને ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવી. અશ્વિન જ્યારે છેલ્લીવાર ઓસ્ટ્રેલિયન પ્રવાસે ગયો હતો ત્યારે તેણે ઘણી શોર્ટ બોલિંગ કરી હતી અને સ્પીડ પણ વધુ રાખી હતી. પરંતુ લાગે છે કે આ ચાર વર્ષોમાં તેણે અહીંની પીચો પર કેવી રીતે બોલિંગ કરવી તે શીખી લીધું છે.શુક્રવારે સવારથી જ બોલની સ્પીડ ધીમી રાખતાં અને ઉપર પીચ કરી રહ્યા હતા. તેમની આ ચાલ કામ કરી ગઈ અને ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડર તેમને પરખવામાં સમગ્રપણે નિષ્ફળ રહી. ટીમ ઈન્ડિયાના આ પલટવારથસી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ખૂબ ખુશ છે અને તેઓએ ટ્‌વીટ કરતાં ટીમ ઈન્ડિયાને એક સલાહ આપી છે.
તેઓએ લખ્યું કે, ટીમ ઈન્ડિયા, પરિસ્થિતિનો જેટલો થઈ શકે ફાયદો ઉઠાવો અને મેચથી પકડ ઢીલી ન પડવા દો. મેં ક્યારેય પણ ઓસ્ટ્રેલિયન પ્લેયર્સને આટલા ધીમે (રક્ષાત્મક) રમતા નથી જોયા. અશ્વિને શાનદાર બોલિંગથી એ ભૂમિકા નિભાવી છે જેના દમ પર ટીમ ઈન્ડિયા આ સમયે મેચમાં ટોપ પર છે.