માન્ચેસ્ટર, તા.૧૧
વિશ્વ કપની પ્રથમ સેમિફાઇનલમાં ભારતીય ટીમે ૧૮ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હાર છતાં દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે એમએસ ધોની અને જાડેજાના પ્રદર્શનનના પણ વખાણ કર્યાં, પરંતુ તેમણે કહ્યું કે, ભારતીય બેટિંગ પરિણામ માટે હંમેશા પોતાના ટોપ ક્રમ પર નિર્ભર ન રહી શકે. તેંડુલકરે ભારતીય બેટ્‌સમેનો દ્વારા ૨૪૦ના લક્ષ્યને મોટો બનાવવા માટે તેની ટીકા પણ કરી હતી.
તેંડુલકરે કહ્યું, ‘હું નિરાશ છું, કારણ કે આપણે કોઈપણ શંકા વિના ૨૪૦ રનનો લક્ષ્ય હાસિલ કરવાની જરૂર હતી. આ મોટો સ્કોર નહતો. પરંતુ ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં ત્રણ વિકેટ ઝડપીને શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ મને લાગે છે કે આપણે હંમેશા સારી શરૂઆત માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા પર નિર્ભર ન રહેવું જોઈએ. તેની સાથે રમી રહેલા ખેલાડીઓએ પણ વધુ જવાબદારી લેવી પડશે.’