અમદાવાદ, તા.પ
વિદ્યાર્થીઓમાં અક્ષર જ્ઞાનની સાથે વ્યક્તિત્વ ઘડતરના શિક્ષણ માટે ગુરૂ શિક્ષકની સવિશેષ જવાબદારી છે અને તે માટે શિક્ષકોએ સ્વયં તૈયાર થવું તે આજના સમયની તાતી જરૂરિયાત છે. તેવો સ્પષ્ટ મત વ્યક્ત રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં શિક્ષક દિવસ પમી સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષકોના રાજ્ય પુરસ્કાર સન્માન કાર્યક્રમ રાજ્યપાલે સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે શિક્ષક સમુદાયને પ્રેરક આહ્‌વાન કર્યું હતું. ચેલેન્જીસ-પડકારો અને પોટેન્શીયલ -સંભાવનાઓ વચ્ચે સમન્વય સાધીને સરકારી શાળાના બાળકોને ધગશ પ્રોત્સાહન આપી ધાર્યા પરિણામો મેળવી શકાશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ૩ર શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કારોથી આદર સન્માન કર્યું હતું. રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, માતા-પિતા તેમના સંતાનને વિદ્યા સંસ્કાર મળે તે માટે શિક્ષક પાસે એવી શ્રદ્ધાથી મૂકે છે કે તેનું ચારિત્ર્ય, ક્ષમતા બુદ્ધિચાતુર્ય બધુ જ શિક્ષક-ગુરૂજન ઘડશે. તેમણે આ સંદર્ભે કહ્યું કે, શિક્ષકો પાસે સમાજને બહુ મોટી અપેક્ષાઓ છે. બહુધા બાળકોએ મોટા થઈને શિક્ષક, ડૉક્ટર કે પોલીસ બનવાના સપના જોતા હોય ત્યારે શિક્ષકની તેના માનસ પર કેટલી અસર હોય છે તેની ભૂમિકા આપી હતી. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એ શિક્ષક નહીં. દાર્શનિક, વિદ્વાન તથા ચિંતક હતા. તેઓ દ્વારા શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વના વિકાસ માટે જે પ્રયાસો થયા તેનો આપણે અમલ કરી શિક્ષણ આપીશું તો જ શિક્ષક દિનની ઉજવણી સાર્થક ગણાશે. સમાજના નિર્માણમાં શિક્ષિત વ્યક્તિની ભૂમિકા મહત્ત્વની છે. નયા ભારતના નિર્માણ માટે તથા વિકસીત દેશની હરોળમાં આવવા માટે માનવ સંશાધનના વિકાસની જરૂર છે. જે માટે શૈક્ષણિક સંસ્થાઓની મહત્ત્વની ભૂમિકા છે. ત્યારે શિક્ષકોએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને શિક્ષણની સાથે સાથે જીવન ઘડતર અને વ્યક્તિ વિકાસનું શિક્ષણ આપવું પડશે. તેમણે શિક્ષણ માટે શિક્ષકની પાસે જ્ઞાનની સાથે સાથે સંવેદનશીલતાનો ગુણ હશે તો જ વિદ્યાર્થીઓનું સાચું ઘડતર થશે તેમ ઉમેર્યું હતું.