(એજન્સી) તા.૨૩
ફરી એકવાર દુનિયા માટે એક ચર્ચાનો વિષય બની ગયા છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. તેમણે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની ભૂમિકા ભજવવાની વાત તો કહી પણ તેની સાથે સાથે એવું કહી દીધું કે વડાપ્રધાન મોદીએ તેમને આ મામલે મદદ કરવા અપીલ કરી હતી. જોકે તેમની આ જ ટિપ્પણી હવે અમેરિકા અને ભારતના સંબંધોમાં ખટાશ પેદા કરી શકે છે. આ ટિપ્પણીને કારણે મોદી અને ટ્રમ્પની નિકટતામાં નવો વળાંક આવી શકે છે.
ટ્રમ્પે સોમવારે તેમના નિવેદનમાં કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વિવાદનો ઉકેલ લાવવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મદદ કરવા અને મધ્યસ્થી બનવા અપીલ કરી હતી. જોકે આ પીઠ પાછળ છરો ભોંકવા સમાન વાત થઈ ગઇ. જો અમેરિકી રાષ્ટ્રપતિ સત્ય બોલી રહ્યાં છે કે જૂઠ તે વાત મહત્ત્વની નથી. પણ આ વાત મુંઝવણમાં મૂકનારી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ટિપ્પણી એવા સમયે કરી હતી જ્યારે તેઓ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા અને આ વાત જ ખરેખર ખૂંચનારી અને મુંઝવણમાં મૂકનારી છે. ટ્રમ્પના આ ધડાકારે વડાપ્રધાન મોદીના રાજકીય જજમેન્ટ પર સવાલો ઊભા કરી દીધા છે.
જોકે બન્યું પણ એવું જ કે ભારતના અધિકારીઓએ આ તમામ પ્રકારના અહેવાલો નકારી દીધા અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ જૂઠ બોલી રહ્યાં છે તેમ જાહેર કર્યુ. જોકે ટ્રમ્પની આ ટિપ્પણીથી ભાજપને મોટાપાયે નુકસાન થયું. જોકે ટ્રમ્પ સરકાર એશિયામાં વધારે પ્રભાવ જાળવી રાખવા માટે ભારત સરકાર પર વધારે વિશ્વાસ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ક્યારેય અમેરિકા ફર્સ્ટની નીતિ ક્યારેય છોડી નથી. જોકે હવે ઈન્ડિયા ફર્સ્ટ અંગેની તેમની નીતિનો દાવો ખરેખર ચોંકાવનારો છે. જોકે ભારતના હિતોને વધારે અગ્રતા આપવી એ પણ લોકોને અચરજમાં મૂકનાર છે. ટ્રમ્પે કહ્યું હતું કે ઓસાકામાં જી-૨૦ની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી મને મળ્યા હતા અને તેમણે મને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. મેં પૂછ્યું ક્યાં? ત્યારે તેમણે કહ્યું કે કાશ્મીર મુદ્દે. હું અચરજ પામી ગયો. આ શું થઇ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે ઈમરાન ખાને પણ મને આ મામલે આવી જ અપીલ કરી હતી. હું મોદી સાથે વાત કરીશ અને પછી જોઇશ કે આગળ શું થાય છે.