(એજન્સી) કરાચી, તા. ૪
દુનિયાભરના મુસ્લિમ દેશોમાં કુર્આન શરીફના ઘણા દુર્લભ નમૂના છે જ્યારે વિશ્વમાં સૌથી વધુ કંઠસ્થ કરાતા આ સૌથી પવિત્ર પુસ્તકના વિવિધ નુસખા તૈયાર કરવાનો સિલસિલો રોકાવાનું નામ લેતો નથી. પાકિસ્તાનના કરાંચીના કોરંગી વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષની ઝુમુર્દ ખાતૂને સાત વર્ષ અને છ મહિનાના અથાગ પ્રયાસ બાદ હાથભરત દ્વારા દુર્લભ કુર્આન શરીફ તૈયાર કર્યો છે. કુર્આન શરીફ તેણે સુતરાઉ કાપડ પર તૈયાર કર્યો હતો. ઝુમુર્દ ખાતૂન તરફથી હાથભરત દ્વારા તૈયાર કરાયેલા દુનિયાને આ પ્રથમ કુર્આન શરીફ માનવામાં આવે છે.
પઠાણ પરિવારમાં રહેતી ઝુમુર્દ ખાતૂને કુર્આનના ૩૦ પારા હાથભરતથી તૈયાર કર્યા હતા તે ઉપરાંત તેણે અરબીનુ ઉર્દૂમાં ભાષાંતર પણ કર્યું છે. આ દુર્લભ કુર્આનનું વજન ૬૩ કિલો છે. કુર્આનના તમામ પારા અને પેજને અલગ-અલગ તૈયાર કરાયા છે. જ્યારે દરેક પાનાને લીલા તથા સોનેરી દોરાની હાથભરતથી શણગારવામાં આવ્યા છે. એવુ કહેવામાંઆવે છે કે, ઝુમુર્દ ખાતૂન દ્વારા તૈયાર કરાયેલ કુર્આન શરીફ છેલ્લા ૧૪૦૦ વર્ષમાં પ્રથમ છે જેને હાથભરતથી તૈયાર કરાયો હોય. કુર્આન શરીફ પર ઝુમુર્દનું કામ ગત વર્ષે એપ્રિલમાં જ પૂર્ણ થઇ ગયું હતું. ઝુમુર્દે દુર્લભ કુર્આનની તૈયારી પર અલ્લાહનો શુક્ર અદા કરતા કહ્યું કે, આની તૈયારીમાં સમય ક્યાં પસાર થયો તેની ખબર જ પડી નથી. ઝુમુર્દની આ સિદ્ધિ મામલે તેના પાડોશીઓ તથા શહેરીજનો તરફથી અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.