(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૭
અયોધ્યામાં જેવી રીતે વિશ્વ હિન્દુ પરિષદે ધર્મસભાનું આયોજન કર્યું હતું અને ભારે સંખ્યમાં સાધુ-સંતો અને લોકો એકત્રિત થયા હતા, ત્યાર પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાજપને રામ મંદિરની સાથે અન્ય મુદ્દાઓ પર સાધુ-સંતોનું સમર્થન મળી શકે છે પરંતુ વારાણસીમાં ત્રણ દિવસ સુધી ચાલેલી ધર્મ સંસદે તેનાથી વિપરીત મોદી અને યોગી સામે ભગવાન રામનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. સંતોએ એવો આરોપ મૂક્યો કે મોદી સરકાર અને યોગી સરકાર ભગવાન રામનું અપમાન કરી રહી છે. જ્યારે અયોધ્યામાં વિહિપ દ્વારા યોજવામાં આવેલી ધર્મસભા અંગે સાધુઓમાં ભારે નારાજગી છે. સાધુએ આ ધર્મસભાને અધર્મસભા ગણાવી છે. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું કે મોદી અને યોગી હિન્દુ ધર્મને સાંપ્રદાયિક તાકતમાં બદલવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રામની મૂર્તિ લગાવવાનો નિર્ણય હિન્દુ વિરોધી છે. બીજીબાજુ જેવી રીતે સુપ્રીમકોર્ટે બાબરી મસ્જિદ વિવાદ કેસની સુનાવણી ટાળી દીધી છે, તેની પણ ધર્મ સંસદ દ્વારા ટીકા કરવામાં આવી છે. નોંધનીય છે કે યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ભાગવાન રામની ૨૨૧ મીટર ઉંચી મૂર્તિ લગાવવાનો નિર્ણય કર્યો છે પરંતુ સાધુઓએ યોગી સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. સાધુઓ કહે છે કે એવું લાગે છે કે ભાગવાન રામ અને સરદાર પટેલ વચ્ચે હોડ પેદા કરવામાં આવી રહી છે. સાધુઓએ યોગી સરકારના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું કે ભગવાન રામ અને સરદાર પટેલ વચ્ચે હોડ જરાય ઉચિત નથી. વારાણસીની ધર્મ સંસદમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જણાવ્યું કે ભાગવાન રામની ૨૨૧ મીટર ઉંચી મૂર્તિ ભગવાનનું અપમાન છે. તેમણે કહ્યું કે પક્ષી અને જીવ -જંતુ ખુલ્લામાં લાગેલી મૂર્તિની આસપાસ ફરશે અને તેનાથી ગંદકી ફેલાશે. ભગવાન રામની મૂર્તિને મંદિરમાં જ રાખી શકાય છે.