(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૨૫
અમરેલી જિલ્લામાં ગાંજાના વાવેતર ફૂલી ફળ્યો હોઈ તેમ છેલ્લા દોઢ મહિનાની અંદર બે જગ્યાએથી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં અમરેલી પોલીસને સફળતા મળેલ છે. જેમાં દોઢેક મહિના પહેલા દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૮૯ લાખના ગાંજાના વાવેતર સાથે પિતા-પુત્ર સહિત ૪ને ઝડપી પાડ્યા બાદ પોલીસે બાબરાના નીલવડા ગામેથી ધારેશ્વર આશ્રમમાંથી ગાંજો ઝડપી પાડ્યો હતો.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામે ધારેશ્વર આશ્રમમાં મહંત દ્વારા ગાંજાનું વાવેતર કરેલ હોવાનું અમરેલી એસઓજી પોલીસને બાતમી મળતા એસઓજી પીઆઈ પીડી જાડેજા તેમજ પીએસઆઈ એમએમ મોરી દ્વારા રેડ કરતા પોલીસે સર્વે નંબર ૨૬ની જમીનમાં આવેલ આશ્રમમાંથી કપાસના વાવેતર વચ્ચે છૂપી જગ્યામાં કરવામાં આવેલ ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. પોલીસે ગાંજાના છોડ નંગ ૯૧૮ અને ગાંજો ૨૪૬.૨૦૦ કિ.ગ્રામ કિંમત રૂપિયા ૧૨,૩૧,૦૦૦નો મુદામાલ કબ્જે લેવામાં આવેલ હતો. પોલીસે આશ્રમના મહંત બાળકદાસ ગુરૂ નારણદાસ ખાખી સાધુ (ઉવ-૬૪) તેમજ વિજયભાઈ ઉર્ફે વીજળી જોખુંભાઈ થારૂ (ઉવ-૨૪) હાલ નીલવડા મૂળ નેપાળ વાળાની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આ ગાંજો જૂનાગઢના સાધુ બાવાઓ માટે વાવેતર કરેલ હોવાનું મહંતે જાણાવાયું હતું.ગાંજાનું વાવેતર કરવા સબબ પકડાયેલ મહંત બાલકદાસ અગાવ ૨૦૦૨માં પણ ગાંજાના કેસમાં તેમજ ગેરકાયદેસર હથિયાર રાખવા સબબમાં પકડાયેલ હતો અને તે બાબતે તેની સામે બાબરા પોલીસમાં કેસ પણ કરવામાં આવેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલ હતું.