(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને ૨૦૧૪ના પરફોર્મન્સના પુનરાવર્તનની આશા છે ત્યારે ભાજપના માર્ગમાં અન્ય એક અવરોધ ઉભો થઇ શકે છે. હવે અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં વિલંબ અંગે સાધુઓ તેમનો રોષ ઠાલવી રહ્યા છે. ૨૦૧૯ની ચૂંટણીઓ ભાજપ વિકાસના એજન્ડા પર લડવાનો છે અને હિન્દુત્વ અને રામ મંદિરને કોઇ સ્થાન નહીં હોવાનું કેન્દ્રના લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યા બાદ સાધુઓએ એવી ચેતવણી આપી છે કે અયોધ્યામાં મંદિર નિર્માણનો એજન્ડા પડતો મુકવાની ભાજપની સૌથી મોટી ભૂલ હશે. પોતાના જવાબમાં મહંત પરમહંસદાસે મંગળવારે મીડિયાને જણાવ્યું કે જો ભાજપ ૨૦૧૯ની ચૂંંટણીઓમાં પુનઃસત્તામાં આવવા વિશે ગંભીર છે તો રામ મંદિર એજન્ડા પડતો મુકવાનું તેને પરવડશે નહીં. જો ૨૦૧૯ સુધીમાં ભાજપ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહીં કરે તો ભાજપ કેન્દ્રમાં ફરી સત્તામાં આવશે નહીં. દાસે એવું પણ કહ્યું કે આ ભૂલ એમના માટે કેટલી હાનિકારક હશે, એ આગામી ચૂંટણી બતાવશે.
ભાજપના ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્ર અંગે દાસે જણાવ્યું કે આ સૂત્રથી ભાજપ પેટા ચૂંટણીઓમાં એક પણ બેઠક જીતી શકી નથી. તેમણે એવું પણ કહ્યું કે ‘એમણે વિકાસ અને સૌના સાથ પર ચૂંટણી લડીને જોઇ લીધું અને તેઓ ત્રણ સીટ હારી ગયા, વિધાનસભા પણ હારી ગયા. જો મંદિર નહીં બને તો અયોધ્યાનો સાધુ સમાજ અને દેશનો સાધુ સમાજ, સાથે મળીને તેમને બહાર કરી દેશે.’ તેમણે એવું પણ કહ્યું કે જો ભાજપ સત્તા જાળવી રાખવા માગતો હોય તો તેઓએ અયોધ્યામાં રામ મંદિર બનાવવું પડશે.