(એજન્સી) મુંબઇ, તા. ૩૦
૨૦૦૮ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટોના કેસમાં ૩૦મી ઓક્ટોબરે મંગળવારે કર્નલ પુરોહિત અને સાધ્વી પ્રજ્ઞા સહિત બધા ૭ આરોપીઓ સામે તહોમતનામું ઘડવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એજન્સી (એનઆઇએ)એ મંગળવારે આ કેસમાં સાતે આરોપીઓ સામે આતંકી ષડયંત્ર અને હત્યા તેમ જ અન્ય બધા આરોપો હેઠળ તહોમતનામું ઘડ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે બીજી નવેમ્બરે થશે. અગાઉ, સોમવારે બોમ્બે હાઇકોર્ટે કર્નલ પુરોહિતની તેમની સામે તહોમતનામું ઘડવાની પ્રક્રિયા સામે સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞા સહિત બધા આરોપીઓ સામે તહોમતનામું ઘડવામાં આવ્યું છે. આ કેસના ૭ આરોપીઓેમાં કર્નલ પુરોહિત પણ એક આરોપી છે. આ કેસના અન્ય આરોપીઓમાં નિવૃત્ત મેજર રામેશ ઉપાધ્યાય, સમીર કુલકર્ણી, અજય રહિર્કર, સુધાકર દ્વિવેદી અને સુધાકર ચતુર્વેદીનો સમાવેશ થાય છે. કોર્ટના જજ દ્વારા આરોપો વાંચી સંભળાવવામાં આવ્યા ત્યારે કોર્ટમાં બધા આરોપીઓ ઉપસ્થિત હતા. નોંધનીય છે કે ઉત્તર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા માલેગાંવમાં ૨૦૦૮ની ૨૯મી સપ્ટેમ્બરે એક બાઇકમાં બોમ્બ ગોઠવીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ૬ લોકો માર્યા ગયા હતા અને આશરે ૧૦૧ લોકો ઘવાયા હતા. આ બોમ્બ વિસ્ફોટના સંદર્ભમાં આઝાદ નગર પોલીસ મથકે હત્યા, હત્યાની કોશિશ અને ગુનાઇત ષડયંત્રની સાથે યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ૧૪ આરોપીના નામ હતા. સાધ્વી પ્રજ્ઞા સામે ભોપાલ, ફરીદાબાદની બેઠકમાં વિસ્ફોટનું ષડયંત્ર ઘડવાનો આરોપ મુકાયો હતો. સાધ્વી અને કર્નલ પુરોહિતની ૨૦૦૮માં ધરપકડ કરવામાં આવી હતી. પુરોહિતે કટ્ટરવાદી હિન્દુ સંગઠનની રચના કરી હતી અને આ કટ્ટરવાદી હિન્દુ સંગઠને માલેગાંવમાં વિસ્ફોટો કરવા માટે બોમ્બ્સની ગોઠવણી કરી હતી. પુરોહિત સામે દારૂગોળો ખરીદવા માટે ફં્‌ડસ એકત્રિત કરવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.