(એજન્સી) ભોપાલ, તા.ર
મધ્યપ્રદેશના ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપની સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરની મુશ્કેલીઓ વધી શકે છે. જબલપુર હાઈકોર્ટે એક ચૂંટણી અરજીની સુનાવણી દરમિયાન પ્રજ્ઞાસિંહને નોટિસ મોકલાવી ચાર અઠવાડિયાઓમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. અરજીમાં સાધ્વી પ્રજ્ઞાસિંહની ચૂંટણી રદ કરવા માગણી કરાઈ છે. ભોપાલના એક પત્રકાર રાજેશ દીક્ષિતે આ ચૂંટણી અરજી એક મતદાર તરીકે દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે સાધ્વી પ્રજ્ઞાસિંહે પોતાના ચૂંટણી પ્રચારમાં ફકત ધર્મના નામે મતો માંગ્યા હતા જેના લીધે એમની ચૂંટણી રદ કરવી જોઈએ. સાધ્વીએ પોતાના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ધાર્મિક અને સાંપ્રદાયિક ભાષણો આપ્યા હતા અને હરીફ કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજયસિંહ ઉપર ભગવા આતંકવાદ ઉપર નિવેદન આપવાના ખોટા આક્ષેપો કર્યા હતા. વધુમાં કહેવાયું છે કે લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૧ર૩ હેઠળ કોઈપણ ઉમેદવાર ધાર્મિક આધાર ઉપર મતો નહીં માંગી શકે જેથી પ્રજ્ઞાસિંહની ચૂંટણી રદ કરવી જોઈએ. હાલમાં હાઈકોર્ટે પ્રજ્ઞાને નોટિસ મોકલાવી છે અને આગામી સુનાવણી ૯મી સપ્ટેમ્બરે રાખી છે.