(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
શહેરના ગોપીપુરા શીતલવાડી જૈન ઉપાશ્રયમાં સાધ્વી મહારાજની છેડતીના બનાવ અંગે અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, ઉપાશ્રયમાં ઘુસીને સુતેલા સાધ્વીની છેડતી કરનારના સગડ અઠવા પોલીસ મેળવી શકી ન હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોપીપુરા શીતલવાડી જૈન ઉપાશ્રયમાં રાત્રિના સમયે ફરિયાદી સાધ્વી અને અન્ય સાધ્વી હોલમાં અંધારામાં સૂતા હતા. ત્યારે તે વખતે અંધારાનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા વ્યક્તિ ફરિયાદી સાધ્વીના પગ પાસે બેઠો હતો. અવાજ થતા સાધ્વી જાગી ગયા હતા અને અજાણ્યા વ્યક્તિને જોતા તુરંત જ બૂમાબૂમ કરી મુકતા અજાણ્યો વ્યક્તિ અંધારામાં લોબીની બહારના ભાગે સીડીમાંથી કૂદીને નાસી ગયો હતો. બનાવ અંગે અઠવા પોલીસે ઈપીકો કલમ ૪૪૮, ૩૫૪-એ મુજબની ફરિયાદ નોંધી હતી. આ ઘટનાને પગલે જૈન સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. અઠવા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. તેમજ સ્થાનિક કક્ષાના ટપોરીઓને ઉઠાવી લાવી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
ગોપીપુરા શીતલવાડી ઉપાશ્રયમાં ઘટેલી ઘટના બાદ આજે શીતલવાડી ખરતરગચ્છ જૈન સંઘે પો.કમિશનર સતીષ શર્માને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે, ગોપીપુરા જૈન ઉપાશ્રયમાં બનેલી ઘટના ખૂબ જ નિંદનીય છે. આ ઘટના સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં જૈન સંઘે જણાવ્યું હતું કે, ગોપીપુરા વિસ્તારમાં જૈન સાધ્વીઓ સાથે બનતી ઘટનાને અટકાવવામાં માટે સુરક્ષા પૂરી પાડવામાં આવે, ગોપીપુરા જૈન દેરાસર, ઉપાશ્રય, વિસ્તારોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવે તેમજ દિવસ રાત્રે અડ્ડો જમાવીને બેઠેલા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવામાં આવે, ગોપીપુરા શિતલવાડી જૈન ઉપાશ્રયમાં બનેલી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપવા માંગ કરી હતી.