(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૧
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં નાંદીડા ગામની સીમમાં સુરત-ધુલિયા નેશનલ હાઇવે પર મીંઢોળા નદીના પુલ નીચે એક લાશ પડી હોવાની જાણકારી બારડોલી પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પર જઈને જોતાં લાશ દિવ્યાંગ વ્યક્તિની હતી અને સંપૂર્ણ સડી ગઈ હોય દુર્ગંધ મારતી હતી. બીજી તરફ નજીકમાંથી જ એક ટ્રાઈસિકલ પણ બિનવારસી હાલતમાં મળી આવી હતી. મૃતકના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. મૃતક દિવ્યાંગ બારડોલીમાં જ ટ્રાઈસિકલ પર રખડતો ભટકતો હતો અને ભીખ માંગી ખાતો હતો. તે નદી કિનારે કુદરતી હાજતે ગયો હોય ત્યારે અચાનક પડી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસ જણાવી રહી છે.